Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મહુવા-ફલ્લામાં ૧, તળાજામાં અડધો ઇંચઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ગોરંભાયેલ વાતાવરણ

સાર્વત્રિક વરસાદની રાહ વચ્ચે સર્વત્ર અસહ્ના ઉકળાટથી લોકો પરસેવે રેબઝેબ

પ્રથમ તસ્‍વીરમાં મોરબી પંથક, બીજી  અને ત્રીજી તસ્‍વીરમાં મોટી પાનેલી, ચોથી-પાંચમી તસ્‍વીરમાં ફલ્લામાં વરસેલ વરસાદ નજરે પડે છે. (તસ્‍વીરઃ પ્રવિણ વ્‍યાસ (મોરબી), અતુલ ચગ (મોટી પાનેલી) મુકેશ વરીયા-ફલ્લા)
રાજકોટ, તા., ૨૪: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ગોરંભાયેલ વાતાવરણ યથાવત છે. આવા વાતાવરણ વચ્‍ચે અસહ્ય ઉકળાટનો અનુભવ થતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહયા છે.
ભાવનગર જીલ્લાના મહુવામાં એક, તળાજામાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે જામનગરના ફલ્લામાં પણ એક ઇંચ વરસાદ પડયો છે. સાર્વત્રિક વરસાદની જગ્‍યાએ કોઇ જગ્‍યાએ હળવો તો કોઇ જગ્‍યાએ ભારે વરસાદ પડી જાય છે.
ફલ્લા
(મુકેશ વરીયા દ્વારા) ફલ્લાઃ જામનગર તાલુકાના ફલ્લા ગામે આજે સાંજે પાંચ કલાકે જોરદાર પવનના સુસવાટા સાથે વરસાદનું આગમન થયું હતું અને અર્ધો કલાકમાં ૧ ઇંચ વરસાદ વરસી ગયો હતો.
ભાવનગર
(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જિલ્લાના મહુવામાં એક ઈંચ વરસાદ પડ્‍યો છે. જયારે તળાજામાં અડધો ઈંચ વરસાદ પડ્‍યો છે.ભાવનગર શહેરમા ,પાલીતાણા,જેસર અને ગારિયાધારમાં છૂટોછવાયો વરસાદ પડયો છે.ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દરમિયાન દરમિયાન મહુવામાં માં ૨૪ મી.મી. ગારિયાધારમાં ૨ મી.મી. ભાવનગર શહેરમાં ૪ મી.મી.અને ઘોઘામાં ૩ મી.મી. જેસરમાં ૩ મી.મી.પાલીતાણામાં ૭ મી.મી. તળાજામાં ૧૧ મી.મી. વરસાદ નોંધાયો છે.
મોરબી
(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબીઃ મોરબી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળે છે જોકે હજુ મેઘરાજા મન મુકીને વરસ્‍યા ના હોય ત્‍યારે આજે જેતપર, અણીયારી ચોકડી અને માળિયા તાલુકાના ગામડાઓમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસ્‍યો હતો
માળિયા તાલુકાના સુલતાનપુર, ખાખરેચી, જુના ઘાટીલા સહિતના ગામો તેમજ અણીયારી ચોકડી, જેતપર સહિતના પંથકમાં તોફાની પવન સાથે વરસાદી ઝાપટું પડ્‍યું હતું ધોધમાર વરસાદી ઝાપટું વરસતા ગરમીથી રાહત જોવા મળી હતી તો માળિયા પંથકના ખેડૂતો વાવણીલાયક વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે અને મેઘરાજા મન મુકીને વરસે તેવી આશા સાથે ખેડૂતો પ્રાર્થના કરી રહયા છે.
મોટી પાનેલી
(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલીઃ ઉપલેટા તાલુકાના મોટી પાનેલીમાં કાલે સવારથી જ વાતાવરણ ધાબળછાયું હોય અસહ્ય બફારો અને ગરમી વચ્‍ચે બપોરે અઢી વાગ્‍યે મેઘરાજા એ એન્‍ટ્રી કરી હતી શરૂઆત માં ભારે મેંઘ ગર્જના અને વીજળીના ચમકારા બાદ ભારે પવન સાથે વરસાદે સટાસટી બોલાવતા રોડ રસ્‍તાઓ નદીઓ માં ફેરવાયા હતા ચારે તરફ પાણી ફરી વળતા લોકો ના ચહેરા પર ખુશી જોવા મળી હતી વાવણી કરેલ મોલ ઉપર કાચું સોનુ વરસતું હોય એમ મેઘરાજા વરસી પડ્‍યા હતા ખેડૂતો પણ ખુશહાલ જોવા મળ્‍યા હતા ખેતરો માંથી પણ પાણી હાલતા થઇ ગયા હતા એકાદ કલાકમાં જ સવા બે ઇંચ વરસાદ નોંધાયો હતો જોરદાર વરસાદ પડી જતા ગરમીમાં ભારે રાહત મળી છે ઉભા મોલને પણ સમયસર પાણી મળી જતા ધરતીપુત્રોને પણ રાહત થઇ છે. વાતાવરણમાં હજુ ઉકળાટ અને વાદળો છવાયેલા હોય રાત્રી દરમિયાન વરસાદ પડવાની શક્‍યતા છે.

 

(11:39 am IST)