Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાવનગરની રથયાત્રા માટે સૌરાષ્‍ટ્રના ઇતિહાસમાં ન થયુ હોય તેવુ અભેદ સુરક્ષા ચક્ર

રાજયની ભાવનગર સહિત ૧૨૪ રથયાત્રા, ૫૪ શોભાયાત્રા પૈકી ૨૦ હાઇએલર્ટ પર મૂકવામાં આવીઃ જમીન સહિત આકાશમાં પણ ત્રી સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા : ખાસ પ્રકારની ગન, વોટર કેનન મશીન સાથે રેપિડ એકશન ફોર્સ તૈનાત કરવામાં આવશે : અમદાવાદ રથયાત્રા પૂર્વ મંગળા આરતી અમિતભાઇ શાહ જોડાશેઃ સોનાની સાવરણીથી રથ સાફ કરવા અર્થા પહિંદ વિધી માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને વિધિસર આમંત્રણ અપાયું : રથ યાત્રા સહિત અનેક પડકારજનક બંધોબસ્‍ત કરવાના અનુભવી એવા ભાવનગર રેન્‍જ વડા અશોક યાદવ સાથે ‘અકિલા'ની વાતચીત

રાજકોટઃ તા. ૨૪ અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા સાથે ગુજરાતમાં કુલ ગત વર્ષની સંખ્‍યા મુજબ અંદાજે ૧૨૪ જેટલી રથયાત્રા અને ૫૪ જેટલી શોભાયાત્રા નીકળે છે. જેમાથી ટોચના પોલીસ અધિકારીઓ દ્વારા ૨૦ જેટલી રથયાત્રા બંદોબસ્‍ત અંગે વિશેષ કાળજી લેવા સર્વે બાદ નકકી કરવામાં આવ્‍યું હોવાનું સૂત્રો જણાવે છે.
જે ૨૦ રથયાત્રામાં વિશેષ કાળજી લેવાની છે તેમા સૌરાષ્‍ટ્રના ભાવનગર, અમદાવાદ જયાં રામ નવમી શોભા યાત્રા દરમ્‍યાન કોમી માહોલ બગડેલ તેવા ખંભાત સાથે જે શહેરમાં ભૂતકાળમાં નાનામાં નાની બાબતોમાં કોમી એકતા જોખમાયેલ તેવા વડોદરા અને હિંમતનગરનો સમાવેશ હોવાનુ સૂત્રો જણાવે છે.
અત્રે યાદ રહે કે રાજયના મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા, રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમાર તથા રાજયના આઇબી વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા વિડિયો કોન્‍ફરન્‍સ મારફત સતત કેવા પ્રકારની કાળજી રાખવી તે માટે વારંવાર રાજયભરના જવાબદાર અધિકારીઓને અપડેટ કરવામાં આવી રહ્યા છે.
દરમ્‍યાન જે રથયાત્રા વિશેષ કાળજી રાખવા માટે રેડ લાઇન પર છે તેવી ભાવનગર રથયાત્રા માટે સૌરાષ્‍ટ્રના બંદોબસ્‍ત ઇતિહાસમાં કદી ન થયેલ હોય તેવી ત્રી સ્‍તરીય અદ્‌ભૂત સુરક્ષા વ્‍યવસ્‍થા રથયાત્રા બંદોબસ્‍તના ખુર અનુભવી ભાવનગર રેન્‍જ વડા અશોકકુમાર યાદવ દ્વારા કરવામાં  આવી છે. દરેક લેવલે તેઓ દ્વારા ત્રી સ્‍તરીય સુરક્ષા વ્‍યવસ્‍થા જમીન પર ગોઠવવા  સાથે આકાશમાંથી પણ ડ્રોન સુરક્ષા ગોઠવી છે ઊચા ધાબા પરથી પાવરફુલ દુરબીન નાઇટ વિઝન સુવિધાવાળી સિસ્‍ટમ્‍સ સાથે ગોઠવવામાં આવી હોવાનું  ‘અકિલા' સાથેની વાતચીતમાં રેન્‍જ વડા દ્વારા જણાવી હાઇ લેવલની મીટીંગ સતત સમીક્ષા કરવામાં આવી રહ્યાનું પણ વિશેષમાં જણાવેલ.
ભાવનગરની રથયાત્રા માટે અંદાજે પાંચ (હાજર) પોલીસ દળને ૨૦ ડીવાયએસપી ૪૫ પીઆઇ, ૧૫૦ પીએસઆઇ અને અન્‍ય અર્ધ લશ્‍કરી દળ સાથે ૭ રેપિડ એકશન ફોર્સ ખાસ પ્રકારની ગન અને અને વોટર કેનન મશીન જેવા અદ્યતન સાધનો સાથે તહેનાત રહેનાર છે.
અત્રે એ યાદ રહે કે અમદાવાદની ઐતિહાસિક રથયાત્રા આડે હવે ગણત્રીના દિવસો બાકી છે તેવા સમયે પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્‍તવ, જોઇન્‍ટ પોલીસ કમીશનર અજયકુમાર તોમર, મયંકસિંહ ચાવડા, ગૌતમ પરમાર, ક્રાઇમ બ્રાન્‍ચ વડા પ્રેમસિંહ અને કોમી એકતાની વિશેષ જવાબદારી જેમને ખાસ સુપ્રત થયેલ છે. તેવા આ તમામ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોખંડી સુરક્ષા વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.
દરમ્‍યાન રથયાત્રના પ્રારંભ પહેલા કેન્‍દ્રીય મંત્રી અમિતભાઇ શાહ  દ્વારા મંગળા આરતીમાં ભાગ લેશે. સોનાની સાવરણીથી રથ સાફ કરવાની પહિંદ વિધિ માટે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલને વિધિસર નિમંત્રણ આપવામાં આવેલ છે.

 

(11:44 am IST)