Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

મોરબી શાંતિવન પ્રાથમિક શાળામાં હજનારી, બિલિયામાં પ્રવેશોત્સવ ઉજવાયા

માળીયાના બગથળા ગામે શાળા પ્રવેશોત્સવનો ગ્રામજનોઍ વિરોધ કર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા ૨૪ : મોરબી અમરેલી ગ્રામ પંચાયત હેઠળ આવતી સરકારી પ્રાથમિક શાળા શાંતિવનમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બી.ઍમ.સોલંકી, મોરબી ગ્રામ્ય મામલતદાર નિખિલભાઈ મહેતા તેમજ નાયબ જિલ્લા -પ્રાથમિક શિક્ષણાધિકારી દિનેશભાઇ ગરચરની અધ્યક્ષતામાં કન્યા કેળવણી અને શાળા  પ્રવેશોત્સવ-૨૦૨૨નો શુભારંભ કરવામાં આવ્યો હતો. ધો.૧માં પ્રવેશ મેળવનાર ૪૪ બાળકોને શૈક્ષણિક કીટ આપી વિદ્યારંભ કરાવવામાં આવ્યો હતો.

આ તકે શાળામાં પ્રથમ ત્રણ ક્રમે ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ગત વર્ષે ૧૦૦હાજરી આપનાર બાળકોને પણ ઇનામો આપી બિરદાવવામાં આવ્યા હતા. વિવિધ સ્પર્ધામાં શાળાનું -પ્રતિનિધિત્વ કરનાર વિદ્યાર્થીઓને પણ સ્મૃતિચિહ્નન અર્પણ કરવામાં આવ્યા હતા. અમરેલી ગ્રામ પંચાયતના બિનહરીફ સરપંચ ગેલજીભાઈ ખોડાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

શાળાને છુટ્ટા હાથે દાન આપનાર શાળા નિવૃત્ત શિક્ષકો શિવલાલભાઈ કાવર, દિલીપભાઈ ભટ્ટી, લખમણભાઈ ભોજાણી, દામજીભાઈ વડાવીયા, ગુણુંભાઈ બાવરવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ધો. ૫ થી ૮માં પ્રથમ દસ ક્રમે આવનાર બાળકોને સાચી જોડણી, લાગે વ્હાલીપુસ્તક અર્પણ કરનાર જોય ઓફ ગિવિંગ ટીમના ભાવિ પ્રસાદ રાવલનું પણ પુસ્તક અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા પણ ઉપસ્થિત રહ્નાં હતાં અને શાળા પરિવારને સારી કામગીરી બદલ બિરદાવ્યા હતાં. મામલતદારઍ પોતાના વ્યક્તવ્યમાં શાળાના શિક્ષકોને રાષ્ટ્રનિર્માણમાં તેમની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતાં. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્નાં હતાં. કાર્યક્રમનું સંચાલન બાળકોઍ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય મનન બુધ્ધદેવ અને શિક્ષકોની ટીમે જહેમત ઉઠાવી હતી.

  માળીયા તાલુકાના બગસરા ગામે  પ્રાથમિક શાળામાં યોજાયેલ  પ્રવેશોત્સવનો ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.ગામ તેમજ શાળામાં વિકાસ કામો ન થતા હોવાનો આરોપ લગાવી આ વિરોધ કરાયો હતો.

માળીયા(મી.) તાલુકાના બગસરા ગામમાં શાળામાં વિદ્યાર્થીઓ માટે પ્રવેશોત્સવ રખવામાં આવ્યો હતો.જેનો ગામ લોકોઍ વિરોધ કર્યો હતો. ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ગામમાં જરૂરી વિકાસના કામો થતા નથી તેમજ શાળાના વિકાસના કામો પણ થતાં નથી.

 શાળામાં વિકાસમાં કામો ન થતાં બાળકોને પૂરતી સગવડતા મળતી નથી.તેમજ ગામમાં પણ ગ્રામજનોને પડતી અગવડતા દૂર કરવા સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટ મુજબ ગામમાં વિકાસના કામો થતાં નથી જેથી શાળા અને ગામ બન્નેના વિકાસ કામો આગળ વધારવાની માંગ સાથે આજરોજ ગ્રામજનો દ્વારા શાળા પ્રવેશોત્સવનો વિરોધ કરવામાં આવ્યો હતો.

(11:45 am IST)