Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

માનસિક સ્વાસ્થ્યને જાહેર આરોગ્ય હેઠળ આવરી આત્મહત્યા અટકાવવાની યોજના વિચારાધીન

વર્ષે દેશમાં સવા લાખ લોકોના આત્મહત્યાથી મોત : કચ્છના ડો. દેવજ્યોતિ શર્મા અને સંસ્થાઓની રજૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હકારાત્મક અભિગમ : હવે આરોગ્ય મંત્રી મનસુખભાઇ માંડવીયા તરફ આશાભરી મીટ : જો સ્ટ્રેટેજી અમલી બને તો આત્મહત્યા અને ડિપ્રેશનથી લોકોને બચાવી શકાશે

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૪ : દેશમાં આત્મહત્યા અટકાવવા માટેની યોજનાના અમલ સંદર્ભે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય કેન્દ્ર સરકાર સમક્ષ આ સમગ્ર બાબત વિચારાધીન છે. આત્મહત્યાએ કોઈ ઘટના કે બનાવ માત્ર નથી પણ તે એક માનસિક આરોગ્યની સમસ્યા છે અને તેનો આરોગ્ય મંત્રાલય હેઠળ સમાવેશ કરી આત્મહત્યા અટકાવવા માટે યોજના ઘડવી જોઈએ એવી માંગણી સાથે ભુજના ડો. દેવ જયોતિ શર્મા સતત પ્રયત્નશીલ હતા.

વિશ્વ આરોગ્ય સંગઠન અને કેન્દ્ર સરકારનું આ મુદ્દે સતત આઠ વર્ષથી ધ્યાન દોરી લોકજાગૃતિ ઝુંબેશ ચલાવનાર કચ્છના ઓમ ફાઉન્ડેશનના પ્રયત્નો હવે ફળીભૂત થયા છે. ઓમ ફાઉન્ડેશનના પ્રમુખ ડોકટર પંડિત દેવજયોતિ શર્માની અપીલની નોંધ લઇને વિશ્વ આરોગ્ય સંગઠન, ભારત સરકારના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સકારાત્મક જવાબ આપી નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજીના નિર્માણ માટે વિચારેલ છે.

આ એક ઐતિહાસિક પહેલ વિશે પત્રકાર પરિષદમાં ડો. દેવ જયોતિ શર્માએ જણાવ્યું હતું કે, દર વર્ષે દેશમાં સવા લાખ લોકો આત્મહત્યાથી મૃત્યુ પામે છે, આ ચિંતાજનક હકીકત છે. આત્મહત્યા અટકાવવા માટે ટીબી, પોલિયો, મેલેરિયા જેવા રોગોની જેમ માનસિક સ્વાસ્થ્યને જાહેર આરોગ્ય હેઠળ આવરી લેવાય તો એક સામાજિક ક્રાંતિનું પગલું ભરી શકાશે. ડો. શર્માએ આત્મહત્યાની સમસ્યાને રાષ્ટ્રીય સમસ્યા ગણી એ સંદર્ભે નક્કર આયોજન કરી આત્મહત્યા અટકાવવા માટે કેન્દ્ર સરકાર નીતિ ઘડી આરોગ્ય સમસ્યા તરીકે એનો સમાવેશ કરે તે અંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અપીલ કરી હતી. જેની નોંધ લઇ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ડાયરેકટર શ્રી ઓમાનંદ દ્વારા સકારાત્મક અભિગમ સાથે પ્રત્યુતર અપાયો છે કે, હાલે આ અંગેની યોજના સરકાર સમક્ષ વિચારાધીન છે.

વિશ્વ આત્મહત્યા અટકાવવા ડોકટર શર્મા એ કરેલી વિવિધ અપીલો ની નોંધ લઈને ભારત સરકાર દ્વારા ડેપ્યુટી સેક્રેટરી નવીન બક્ષીએ માર્ચ ૨૧ માં જણાવ્યું હતું કે નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન સ્ટ્રેટેજી વર્તમાન સમયમાં સરકારશ્રી પાસે વિચારાધીન છે. આ માટે ઓમ ફાઉન્ડેશન કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ અને નેશનલ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આરોગ્ય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા નો આભાર પ્રગટ કરે છે. સ્યુસાઇડ કવોડ નેશનલ પશ્યિમ ઝોનના પ્રભારી મનોચિકિત્સક ડોકટર ધૈવત મહેતાએ જણાવ્યું હતું કે ડિપ્રેશન કેન્સર જેવું જ ભંયકર છે તેને જાગૃત થઇને દૂર કરવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મહત્યાનો જાહેર આરોગ્ય માં સમાવેશ કરી વિવિધ ખાતાઓ સાથે સાંકળીને તેના સંશોધન નિરાકરણ અને ઉપચાર ના પગલાં ભરાય તે ખુબ જરૂરી છે.

યોગ સાયકોથેરાપી અને શિવ તાંડવ આધારિત માનવ ભાવ વિરેચન ક્રિયાથી હકારાત્મકતા ઊભી કરવાના પ્રયાસો પણ આગામી દિવસોમાં કરાશે એમ કચ્છ સ્યુસાઇડ પ્રિવેન્શન ફોરમના પ્રમુખ હેમતભાઈ ઠક્કરે જણાવ્યું હતું. આ તબક્કે ડોકટર દિપેશ ઠક્કરે પણ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ૩૦ ગામોમાં સરકારના માન્યતા પ્રાપ્ત સાયકોથેરાપીની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવશે. આ પત્રકાર પરિષદમાં ડોકટર સુરેશ પટેલ, શાંતિલાલ પટેલ, અશોક માંડલીયા, શૈલેષભાઈ રાવલ, સુનિતાબેન ભાનુશાલી, જયંતીભાઈ વાઘેલા, વિરજીભાઇ મહેશ્વરી અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા દ્વારા સ્યુસાઇડ (આત્મહત્યા) અટકાવવા, ડિપ્રેશન કે માનસિક તાણ દૂર કરવા ફોન દ્વારા કાયમી હેલ્પ લાઈન ચલાવાય છે. વેબીનાર દ્વારા ઓન કાઉન્સિલિંગ કરાય છે. (આત્મહત્યા અટકાવવા કાર્યરત સુસાઈડ પ્રિવેન્શન ફોરમના ડો. દેવ જયોતિ શર્મા, મો. ૯૯૨૫૨૬૭૦૪૪)

(10:33 am IST)