Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ચાર વર્ષ પહેલા જુનાગઢ સિવિલમાં સિઝેરીયનથી ડિલીવરી કરાવાઇ હતી ત્યારથી દુઃખાવો થતો'તો

કેશોદના મીનાબેનના પેટમાં ગાંઠ છે એવા નિદાન પછી ઓપરેશન થતાં ગાભો નીકળ્યો!

જુનાગઢ, કેશોદની અનેક હોસ્પિટલોમાં બતાવ્યા બાદ રાજકોટ સિવિલના ઝનાના વિભાગમાં ઓપરેશન કરાયું: ચાર વર્ષ પહેલા જુનાગઢમાં સિઝેરીયન વખતે ભુલ થઇ ગયાની શકયતા

રાજકોટ તા. ૨૪: કેશોદ રહેતાં મીનાબેન દિલીપભાઇ સાવલીયા (ઉ.વ.૪૦) નામના મહિલાએ ચાર વર્ષ પહેલા જુનાગઢ સિવિલ ઝનાના હોસ્પિટલમાં સિજેરીયનથી ડિલીવરી બાદ પુત્રને જન્મ આપ્યો હતો. પણ આ ડિલીવરી બાદ સતત તેમને પેટમાં દુઃખાવો રહેતો હતો. અત્યાર સુધી અલગ અલગ હોસ્પિટલોમાં નિદાન-સારવાર કરાવાયા હતાં. પરંતુ ખરેખર શું તકલીફ છે એ નક્કી થતું નહોતું. છેલ્લે કેશોદમાં સોનોગ્રાફી થતાં ગાંઠ હોવાનું નિદાન થયું હતું. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગયા સોમવારે દાખલ કરાયા બાદ ગઇકાલે પેટમાં ગાંઠ છે એમ સમજી ઓપરેશન કરવામાં આવતાં અંદરથી કપડાનો ગાભો નીકળતાં તબિબો અને ઓપરેશનમાં સામેલ તમામ સ્ટાફ ચોંકી ગયો હતો.

મીનાબેનના પેટમાંથી ગાભો નીકળતાં ઝનાના વિભાગના તબિબોએ પોલીસ કેસ જાહેર કરી પોલીસ ચોકીમાં જાણ કરતાં ચોકીના સ્ટાફે જુનાગઢ પોલીસને જાણ કરી હતી. મીનાબેને સંતાનમાં એક દિકરી હતી અને ચાર વર્ષ પહેલા ફરી ડિલીવરી માટે કેશોદથી જુનાગઢ ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. તે વખતે સિજેરીયનથી દિકરાનો જન્મ થયો હતો.

મીનાબેનના પતિ દિલીપભાઇ માવજીભાઇ સાવલીયા મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું હતું કે સિજેરીયન બાદ પત્નિને બાવીસેક દિવસ પછી પેટમાં દુઃખાવો શરૂ થયો હતો. પ્રારંભે તો અમે સામાન્ય દુઃખાવો હશે એમ સમજી દવા લીધી હતી. પરંતુ દુઃખાવો વધતો ગયો હતો. જેથી કેશોદ, જુનાગઢની અલગ અલગ હોસ્પિટલોમાં નિદાન સારવાર કરાવ્યા હતાં. સોનોગ્રાફી રિપોર્ટમાં ગાંઠ હોવાની શકયતા દેખાડાતી હતી.

છેલ્લે અમે કંટાળીને ગત ૧૯મીએ રાજકોટ સિવિલમાં લાવતાં ઝનાના હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ નિદાન રિપોર્ટ થતાં ગાંઠ સાથે બીજુ પણ કંઇક હોવાનું લાગતાં ગઇકાલે ઓપરેશન કરવામાં આવ્યું હતું. પણ બધાના આશ્ચર્ય વચ્ચે મારા પત્નિના પેટમાંથી ગાભો-કપડાનો ટૂકડો નીકળ્યો હતો. ચાર વર્ષ પહેલા જુનાગઢમાં સિજેરીયન થયું ત્યારે  આ ગાભો ભૂલી જવાયાનું હાલ અમારું માનવું છે. તેમ વધુમાં મીનાબેનના પતિ દિલીપભાઇએ જણાવતાં જુનાગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

(11:38 am IST)