Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

આદિમ જૂથ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં પઢાર જાતિના માછીમારોને પગડીયા કિટનું વિતરણ

સુરેન્દ્રનગર તા.૨૪ : સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરી દ્વારા આદિમ જૂથ યોજના અંતર્ગત આજ રોજ પઢાર જાતિના ૩૫ માછીમારોને પગડીયા કીટનું વિતરણ કરવામાં આવ્યુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં આદિમ જૂથ યોજના અંતર્ગત ચાલુ વર્ષ ૨૦૨૧-૨૨ માં નળ સરોવરની આસપાસના ગામડાઓમાં રહેતા પઢાર જાતિના આદિવાસી માછીમારો માટે કુલ ૧૯૭ પગડીયા કીટો મંજુર કરવામાં આવેલ છે. જેમાંથી અત્યાર સુધીમાં કુલ ૭૬ કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે, જયારે બાકીની કીટોનું વિતરણ આગામી સમયમાં કરવામાં આવશે, તેમ જિલ્લાના મદદનીશ મત્સ્ય ઉદ્યોગ નિયામકશ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યું હતું.

તેમના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં વિતરણ થયેલ કુલ કીટો પૈકી આજ રોજ ૩૫ પગડીયા કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ પગડીયા કીટમાં એક સાયકલ, એક ઇન્સ્યુલેટેડ બોકસ (૫૦ લીટર), એક ઇલેકિટ્રક વજન કાંટો તેમજ એક માછલી પકડવાની જાળનો સમાવેશ થાય છે. વિતરણ થયેલ પ્રતિ પગડીયા કીટની કિંમત ૧૦,૦૦૦ રૂપિયા છે, જે સરકારશ્રી દ્વારા ૧૦૦% સહાયથી આપવામાં આવે છે.

વધુમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં પઢાર જાતિની શ્રી આદિવાસી જૂથ આંતરદેશીય વિવિધલક્ષી મત્સ્ય સહકારી મંડળી લિમિટેડ, શ્રી પઢાર માછીમાર વિકાસ મંડળ, શ્રી નાની કઠેચી વિભાગ આદિમ જૂથ મત્સ્ય સહકારી મંડળી લિમિટેડ તેમજ શ્રી પઢાર જ્ઞાતિ ઝીંગા ઉછેર કેન્દ્રના ૭૬ જેટલા સભ્યોને કીટનું વિતરણ કરવામાં આવેલ છે, જયારે બાકીના ૧૨૧ પઢાર માછીમારોને આગામી સમયમાં પગડીયા કીટનું વિતરણ કરવામાં આવશે.

આ કીટ વિતરણ સમારોહમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સૂર્યવંશીએ ખાસ હાજરી આપી, લાભાર્થીઓને કીટોનું વિતરણ કર્યું હતું. આ વિતરણ સમારોહમાં જિલ્લા મદદનીશ મત્સ્ય ઉદ્યોગ કચેરીના કર્મચારીઓ સહિત લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

(11:40 am IST)