Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટંકારામાં ૧ ઈંચઃ વાંકાનેરમાં તડકા સાથે ધોધમાર

રાજકોટમાં ગોરંભાયેલ વાતાવરણ સાથે વરસતો વરસાદઃ સૌરાષ્ટ્ર-કચ્છના ૧૦ તાલુકાઓમાં હળવા-ભારે ઝાપટા

તસ્વીરમાં પડધરી ખાતે ધીમીધારે વરસેલ વરસાદ નજરે પડે છે (તસ્વીરઃ મનમોહન બગડાઈ)

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને મેઘરાજા મહેરબાન થાય તેવુ વાતાવરણ છવાઈ ગયુ છે. આવા વાતાવરણ વચ્ચે આજે સવારે ૧૦ થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં ૨ કલાકમાં મોરબી જિલ્લાના ટંકારામાં ૧ ઈંચ વરસાદ વરસ્યો છે.

જ્યારે અમરેલી જિલ્લાના જાફરાબાદ, ગીરસોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા, જામનગર જિલ્લાના જોડીયા અને ધ્રોલ તથા જૂનાગઢ જિલ્લાના કેશોદ અને માળીયાહાટીના સહિત રાજકોટ-સૌરાષ્ટ્રના ૧૦ તાલુકામાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

વાંકાનેરના પ્રતિનિધિ મહમદ રાઠોડના જણાવ્યા મુજબ આજે બપોરે તડકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પડધરીના પ્રતિનિધિ મનમોહન બગડાઈના અહેવાલમાં જણાવાયુ છે કે આજે બપોરે ધીમીધારે વરસાદ શરૂ થયો છે અને મિશ્ર વાતાવરણ યથાવત છે. આ વરસાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડયો છે.

રાજકોટ શહેરમાં પણ સવારથી મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે બપોરે ૧૧.૩૦ વાગ્યા આસપાસ વાદળો છવાઈ ગયા છે અને ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.

(1:08 pm IST)