Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગીરનારના ડોળીવાળા બન્યા દુકાનદાર : ૧૦ થી ૧૨ લાખની દુકાન સરકાર દ્વારા ૧૦૪ ડોળીવાળાને વિના મૂલ્યે અપાઇ

જૂનાગઢ તા.૨૪: ગીરીવર ગીરનારની ગોદમાં સ્થિત ભવનાથ તળેટીમાં ગીરનારના ડોળીવાળા હવે દુકાનદાર બન્યા છે. રૂ.૧૦ થી ૧૨ લાખની કિંમતની પ્રત્યેક દુકાન ૧૦૪ ડોળીવાળા ભાઇઓને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવી છે.ગીરનાર પર રોપ-વેનું નિમાર્ણ થતા ડોળીવાળા/તેડાગરના પુનર્વસન અંતર્ગત આ દુકાનોની ફાળવણી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી રચિત રાજના માર્ગદર્શન તળે કૃષિ યુનિ. ખાતે ડ્રો કરી આસીસ્ટન્ટ કલેકટરશ્રી અંકીત પન્નુ જૂનાગઢ સીટી મામલતદારશ્રી અંટાળા સમિતીના સભ્યો અને ડોળીવાળાના પરિવારજનોની ઉપસ્થિતિમાં ફાળવણી કરવામાં આવી હતી. ડોળી એસો પ્રમુખશ્રી રમેશભાઇ બાવળીયાએ કહ્યું કે, કોઇને અન્યાય ના તે મુજબ જિલ્લા તંત્રના અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. 

ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નિર્માણ કરાયેલ આ દુકાનોની ફાળવણીમાં ડોળીવાળા અને દુકાન નંબર એમ બે પ્રકારની ચીઠ્ઠી બનાવવામાં આવી હતી. ડોળીવાળાઓની સંમતીથી આ ચીઠ્ઠીઓ નાની દિકરી દ્વારા ઉપાડી જેનુ નામ આવે તે ડોળીવાળા દુકાનની ચીઠ્ઠી ઉપાડતા. અર્થાત જેમના ભાગ્યમાં જે દુકાન આવે તે દુકાન મળતા ડોળીવાળા દુકાનદાર બની આનંદ સાથે સંતોષની લાગણી વ્યકત કરી હતી.

ભવનાથની કિંમતી અને મોકાની જમીનમાં નિર્માણ કરાયેલ આ દુકાનનાં બાંધકામમાં પ્રવાસન નિગમ દ્વારા રૂ.૧.૮૯ કરોડનો ખર્ચ કરવામાં આવેલ છે. દુકાનો મળતા રાજય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી. શ્રી રમેશભાઇ બાવળીયાએ કહ્યું હવે અમે ૧૫ ઓગષ્ટ બાદ બધા મળીને ૧૫-૧૫ ના સમુહ મુજબ દુકાન બનાવીશું. સૌના સહકારથી ખાણીપીણી, રમકડા, પ્રવાસન લગત તેમજ ગીરનારનું મહાત્માય વધે તેવી વસ્તુઓનું વેચાણ કરી રોજગારી મેળવીશું. 

(1:11 pm IST)