Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

મહારાષ્ટ્રમાં ભીષણ પુરને લીધે જાન ગુમાવનાર હતભાગી લોકોને મોરારીબાપુ તરફથી ૩ લાખથી વધુ રકમની સહાય

રાજકોટ, તા. ર૪ : ગત થોડા દિવસોથી મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં મેઘરાજા જાણે કોપાયમાન થયા હોય તે રીતે રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિ થઈ રહી છે. થોડા સમય પૂર્વે મુંબઈના ચેમ્બુર અને વિક્રોલીમાં અતિભારે વરસાદને લીધે ૩૨ વ્યકિતઓના મોત થયા હતા જેમાંથી ૩૦ લોકોના પરિવારજનોને પૂજ્ય બાપુ દ્વારા તત્કાલ સહાયતા પહોંચતી કરવામાં આવી હતી. છેલ્લા ૨-૩ દિવસોથી મહારાષ્ટ્રના રત્નાગીરી, રાયગઢ, ચિપલુન અને સાતારા વિસ્તારમાં અતિભારે વરસાદ થવાને લીધે ભૂસ્ખ્લન અને પૂરની સ્થિતિ ઉદ્દભવી છે જેમાં અનેક લોકોએ પોતાનો પ્રાણ ગુમાવ્યા છે. ચિપલુનમાં તો સ્થિતિ વધુ મુશ્કેલ છે, લગભગ આખો વિસ્તાર પાણીમાં ગરક છે.

આ વિસ્તારોમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને જેમને ઘરવખરીમાં નુકશાન થયું છે તેમના પરિવારજનોને શ્રી હનુમંત સાંત્વના રૂપે મોરારીબાપુ દ્વારા પ્રત્યેક મૃતકને ૫ હજારની તત્કાલ સહાયતા રાશિ, જેમનાં મકાનોને નુકશાન થયું છે ત્યાં રાશન કીટ વગેરે પહોંચતા કરવામાંં આવશે. રામકથાના મહારાષ્ટ્રના શ્રોતાઓ આ વિસ્તારોમાં જે નુકશાન થયું છે તેની વિગતો મેળવી રહ્યા છે. પૂજ્ય મોરારિબાપુની  સંવેદનાં સ્વરૂપે મહારાષ્ટ્રના શ્રોતાઓ દ્વારા રુપિયા ૩ લાખ ઉપરાંતની રાશિ તેમજ રાશન કીટનું વિતરણ કરવામાં આવશે. તેમ જયદેવભાઇ માંકડની યાદીમાં જણાવ્યું છે. 

(1:16 pm IST)