Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ગોંડલમાં પોણા પાંચ, કોટડાસાંગાણી - લોધીકામાં પોણા બેઃ અમરેલી અને બોટાદના બરવાળામાં દોઢ ઈંચ

સૌરાષ્ટ્ર-કચ્છના ૧૨ તાલુકામાં ઝાપટા વરસ્યાઃ રાજકોટમાં વાદળા વચ્ચે વરસતો વરસાદ

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ બરાબરનો જામ્યો છે. આજે સવારથી વરસાદનું જોર વધતુ જાય છે. આવા વાતાવરણ વચ્ચે આજે દિવસ દરમિયાન સૌથી વધુ વરસાદ ગોંડલમા પોણા પાંચ પડયો છે.

જ્યારે અમરેલી શહેર અને બોટાદ જિલ્લાના બરવાળામાં દોઢ ઈંચ વરસાદ પડયો છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણી અને લોધીકામાં પોણા બે ઈંચ વરસાદ પડયો છે.

જ્યારે અમરેલી જિલ્લાના લીલીયા, વડીયા, ભાવનગરના તળાજા અને પાલીતાણા, કચ્છના અંજાર, ગાંધીધામ, નખત્રાણા, જામનગર જિલ્લાન કાલાવડ, મોરબી જિલ્લાના માળીયામિંયાણા, રાજકોટના જિલ્લા જામકંડોરણા, પડધરી અને રાજકોટ શહેરમાં હળવા-ભારે ઝાપટા વરસ્યા છે.

ગોંડલ

(ભાવેશ ભોજાણી દ્વારા) ગોંડલઃ શહેરમાં આજે બપોરથી મેઘમહેર યથાવત છે. સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધીમાં ૨ મી.મી. વરસાદ વરસ્યા બાદ બપોરના ૧૨ થી ૨ દરમિયાન વધુ ૩૫ મી.મી. એટલે કે દોઢ ઈંચ તથા બપોરના ૨ થી ૪ દરમિયાન વધુ ૮૨ મી.મી. એટલે કે સાડા ત્રણ ઈંચ વરસાદ વરસતા સવારના ૧૦ થી સાંજના ૪ વાગ્યા સુધીમાં પોણા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયુ છે.

(4:26 pm IST)