Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ભાવનગરમાં મોંઘવારીને મામલે 'આપ' નું વિરોધ પ્રદર્શન : કાર્યકર્તાઓ બેનર લઇને રસ્તા પર ઉતર્યા

પેટ્રોલ-ડિઝલના ભાવ તો આકાશને આંબી ગયા:જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી જવાથી સામાન્ય પરિવાર માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું

ભાવનગર : સમગ્ર દેશમાં લોકો મોંઘવારીના  મારથી ત્રાહીમામ છે. પેટ્રોલ-ડિઝલના ભાવ તો આકાશને આંબી ગયા છે. આ સિવાય જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ પણ વધી જવાથી સામાન્ય પરિવાર માટે ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. પહેલા જ કોરોનાને કારણે કેટલાક લોકો બેરોજગાર બન્યા છે.

લૉકડાઉનમાં કેટલાક નાના ઉદ્યોગો બંધ થઇ ચૂક્યા છે. લોકોની આવક ઓછી થઇ ગઇ છે. પરંતુ ખર્ચાઓ ત્યાંના ત્યાંજ છે. ત્યારે ગુજરાતના ભાવનગર શહેરમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા મોંઘવારીના મુદ્દાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રુડનો ભાવ ઓછો હોવા છતાં પેટ્રોલ ડિઝલમાં જે બેફામ ભાવ વધારો કરવામાં આવે છે અને તમામ ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને અડતા, આ તોતિંગ ભાવ વધારાના વિરોધમાં શહેરના સંત કંવારામ ચોકથી રેલી સ્વરુપે કાળાનાળા ચોકમાં ધરણા યોજી સરકાર વિરુધ્ધમાં આંદોલન કરવામાં આવ્યું હતું. ધરણાં દરમિયાન કાળાનાળા ચોકથી 50 જેટલા કાર્યકર્તાની પોલીસ દ્રારા અટકાયત કરવામાં આવી હતી.

હાલમાં સમગ્ર ભારત દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે. ગરીબ માણસોને તો જીવવું દોયલુ બની જવા પામ્યુ છે. પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને ખાદ્ય ચીજોમાં, ટ્રાન્સપોર્ટેશનમાં ભારે વધારો થયો છે.

ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવ અંગે સરકાર સામે વિરોધ દર્શાવતા બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આપના કાર્યકર્તાઓ પોતાના હાથમાં વિરોધ દર્શાવતા બેનરો લઈને રેલીમાં જોડાયા હતા જેમાં ભાજપના ફાયદા અંબાણીને જેવા ઉલ્લેખ કરેલા બોર્ડ લઇને આમ આદમી પાર્ટીનાકાર્યકર્તાઓ વધી રહેલા પેટ્રોલ,ડીઝલ ના ભાવના વિરોધમાં રેલી યોજી હતી.

આ કાર્યક્રમ દરમિયાન આપના શહેર પ્રમુખ મહિપાલસિંહ ઝાલા, સહિત 50 થી વધારે કાર્યકરોની એ.ડિવિઝન પોલીસે અટકાયત કરી હતી. આપ પાર્ટી દ્વારા રેલીની મંજૂરી લીધી હોવા છતાં તેમની અટકાયત કરવામાં આવતા પાર્ટીના કાર્યકરોમાં રોષની લાગણી જોવા મળી.

(9:13 pm IST)