Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ટ્રકે બાઈકને ટક્કર મારતાં પરીવારના ત્રણનાં મોત થયા

રાજુલાના ચારનાળા રોડ પર ગમખ્વાર અકસ્માત : અકસ્માતમાં મોતને ભેટનારામાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ : ત્રણેય રાજુલા તાલુકાના ચોત્રા ગામના હતા

અમરેલી , તા.૨૪ : રાજુલાના ચારનાળા રોડ પર બાઈક અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળ પર જ મોત નિપજતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ અકસ્માતમાં મોતને ભેટનારાઓમાં માતા-પિતા અને પુત્રનો સમાવેશ થાય છે. ત્રણેય રાજુલા તાલુકાના ચોત્રા ગામના રહેવાસી અને દેવીપૂજક પરિવારના હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારને સાંત્વના આપી હતી.

કાળમુખા ટ્રકે બાઈકને ટક્કર મારતા એક જ પરિવારના ત્રણ લોકોનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મળતી માહિતી મુજબ ટ્રક હિંડોરણાથી કોવાયા તરફ જઈ રહી હતી અને બાઈક સવાર પરિવાર પોતાના ગામ ચૌત્રા તરફ આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. દરમિયાન પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવ્યો હતો અને ત્યારબાદ મૃતકોને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા હતા.

મૃતકોમાં જગુભાઈ વાઘેલા (પિતા),જયશ્રીબેન વાઘેલા (માતા), અલ્પેશ વાઘેલા (પુત્ર)નો સમાવેશ થાય છે.

સ્થાનિકો પાસેથી મળતી માહિતી મુજબ પરિવારના લોકો પુત્રની દવા લેવા માટે મહુવા તરફ ગયા હતા અને દવા લઈને પોતાના ગામ ચૌત્રા પરત ફરતા હતા ત્યારે અકસ્માત સર્જાતા ત્રણયેના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગળે મૃતકોના પરિવાર તેમજ આખા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આ ઘટનાને પગલે પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને મૃતકોના પરિવારજનોને મળી તેમને સાંત્વના આપી હતી. ઘટનાને પગલે ત્યાંથી પસાર થતા વાહનચાલકો તેમજ સ્થાનિક લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા, અને ત્યારબાદ એમ્બ્યુલન્સ અને પોલીસને અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી.

(9:16 pm IST)