Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

સીરામીક ફેક્ટરી દ્વારા પ્રદુષણ ફેલાવતા લોકોને ગળામાં બળતરા ઉપડી.

મહેન્દ્રનગરમાં આવેલ કાવેરી સિરામિકમાં ઝેરી પદાર્થના ઉત્સર્જન મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલ કાવેરી સીરામીક નામની ફેક્ટરીમાંથી ઊડતી ધૂળ ઉપરાંત સલ્ફર ગેસ ઉત્સર્જનને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થવા ઉપરાંત ગળામાં બળતરાની વ્યાપક ફરિયાદ ઉઠતા આ મામલે ગ્રામ પંચાયત ઉપરાંત ગામના જાગૃત નાગરિકો દ્વારા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને ફરિયાદ કરવામાં આવી છે.
છેલ્લા એક દાયકાથી મોરબીના મહેન્દ્રનગર ગામની આજુબાજુમાં કાવેરી સીરામીક ફેક્ટરી દ્વારા બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું છે. આ પ્રદુષણ કારણે ખેડૂતો, વ્યાવસાયિકો અને ખુદ મહેન્દ્ર નગર ગ્રામ પંચાયત કચેરી દ્વારા અગાઉ અનેક ફરિયાદો પ્રદુષણ નિયંત્રણ બોર્ડને કરવામાં
આવી છે પરંતુ પરિણામ શૂન્ય રહેતા તાજેતરમાં ગામના અગ્રણીઓ દ્વારા વધુ એક વખત કચેરીની મુલાકાત લઇ લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, કાવેરી સિરામિક તરીકે ઓળખાતા ઉદ્યોગમાં સંગ્રહિત કાચા માલમાંથી સલ્ફર ગેસ ઉત્સર્જનને કારણે ગ્રામજનોને અવાર નવાર શ્વાસની તકલીફ અને ગળામાં બળતરા થાય છે ઉપરાંત આ ફેકટરીમાં અઠવાડિયામાં બે-ત્રણ દિવસ આવું ઉત્સર્જન ચાલુ રખાય છે અને બાકીના સમયે ઉત્સર્જન થતું ન હોય જયારે જયારે પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તપાસમાં આવે ત્યારે કારખાનું બંધ હોય પ્રશ્નનો નિકાલ થતો નથી.
આ સંજોગોમાં વિશાળ જનસમૂહના સ્વાસ્થ્ય ઉપર ખતરો ઉભો થયેલ હોય મહેન્દ્રનગરના અગ્રણીઓ દ્વારા પર્યાવરણના નિયમોનું પાલન ન કરનાર આ યુનિટને બંધ કરવામાં આવે તેવી માંગણી ઉઠાવી પ્રદુષણ મામલે કડક પગલાં ભરવા રજુઆત કરવામાં આવી છે.

(9:49 pm IST)