Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબી વાદી સમાજને કોરોના રસી અંગેની ગેરમાન્યતાઓથી દૂર રહેવા અપીલ.

વિચરતી વિમુક્ત જાતિ અને અન્ય સમાજના લોકો પણ રસીકરણ અભિયાનમાં યોગદાન

મોરબી :  કોરોના મહામારી સામે રસીકરણ એ અમોઘ શસ્ત્ર છે. કોરોના રસીને લઇને હજુ પણ લોકોમાં કેટલીક ગેરમાન્યતાઓ પ્રવર્તતી હોવાથી સમાજના અગ્રણીઓ, સામાજિક આગેવાનો, સ્થાનિક પદાધિકારીઓ વહિવટી તંત્ર તેમજ આરોગ્ય તંત્ર સાથે રહીને ઝુંબેશ ચલાવી રહ્યા છે ત્યારે વિચરતી વિમુક્ત જાતિ અને અન્ય સમાજના લોકો પણ રસીકરણ અભિયાનમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ સમાજના લોકોને કોરોના રસી બાબતની ગેરમાન્યતાઓ, ભ્રમણાઓ તેમજ અંધશ્રદ્ધા ત્યજીને કોરોનાની રસી લેવા માટે અપીલ કરી છે.
  મોરબી તાલુકાના મકનસરના વાદી સમાજના અગ્રણી કુંવરનાથ સોલંકીએ કોરોના રસી લઇને જણાવ્યું હતું કે, સ્થાનિક આગેવાનો, ડૉક્ટર અને આરોગ્ય સ્ટાફનો ખૂબ જ સહયોગ મળ્યો છે. કોરોનાની રસી વિનામુલ્યે આપવામાં આવી છે. વધુમાં અગ્રણી કુંવરનાથ સોલંકીએ જણાવ્યું હતું કે, કોરોના રસી અંગે સમાજમાં ગેરમાન્યતાઓ અને ભ્રમણાઓ ફેલાવાતી હોય તો તેને દૂર કરીને લોકોને કોરોના રસીકરણ અભિયાન અને જરૂરિયાત અંગે માહિતગાર કરીશ. કોરોના રસીથી લોકો ગભરાયા છે તે અંગે સાચી વાત લોકોને સમજાવીને વધુને વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. રસીકરણ અભિયાનમાં વિચરતી જાતીના લોકો માટે રાજ્ય સરકારનો ખૂબ જ સાથ સહકાર મળી રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

(10:16 pm IST)