Gujarati News

Gujarati News

News of Friday, 24th September 2021

મોરબીમાં પાણી પ્રશ્ને મહિલાઓનો દોઢ કલાક પાલિકાએ મોરચો : કેનાલ રોડ ઉપર એક મહિનાથી પાણી ન આવતા મહિલાઓ વિફરી

પાલિકામાં સતત દોઢ કલાક સુધી મહિલાઓએ મોરચો માંડ્યા બાદ અંતે ચીફ ઓફિસરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં છેલ્લા એક મહિનાથી પાણી ન આવતા આ સોસાયટીઓની મહિલાઓ વિફરી હતી અને મહિલાઓએ નગરપાલિકા કચેરીમાં દોડી જઈને પાણી પ્રશ્ને હંગામો મચાવ્યો હતો અને પાણી ન આવતા ભોગવવી પડતી હાલાકીની હૈયાવરાળ ઠાલવી હતી. જો કે પાલિકામાં સતત દોઢ કલાક સુધી મહિલાઓએ મોરચો માંડ્યા બાદ અંતે ચીફ ઓફિસરે ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલી સુદર્શન સોસાયટી, હરિઓમ સોસાયટી, વિજયનગર અને ત્રિકોણનગર સોસાયટીમાં ૨૦૦ જેટલા મકાનો આવેલા છે. આ સોસાયટીઓમાં છેલ્લા એક માસથી પીવાનું પાણી આવતું નથી. પાણી પ્રશ્ને પાલિકા તંત્રને અનેક વખત રજુઆત કરવા છતાં પાણી ન આવતા આ સોસાયટીઓની મહિલામાં રોષે ભરાઈ હતી અને રોષે ભરાયેલી મહિલાઓનું ટોળું આજે બપોરના સમયે નગરપાલિકા કચેરીએ દોડી ગયું હતું. બપોરના ૩-૩૦ વાગ્યે મહિલાઓ પાલિકામાં આવી હોય પરંતુ કોઈ જવાબ ન દેતા મહિલાઓ ત્યાં જ બેસી જઈને મોરચા માંડ્યો હતો.
દોઢ કલાક સુધી મહિલાઓ નગરપાલિકામાં હંગામો મચાવ્યા બાદ અંતે ચીફ ઓફિસર ગિરીશ સરૈયા દોડી આવ્યા હતા. તેમની સમક્ષ મહિલાઓએ ઉગ્ર રજુઆત કરી હતી કે, અગાઉ તેમની સોસાયટીઓમાં પાણી પુરવઠા તંત્ર પાણી પૂરું પાડતું હતું. પરંતુ પાણી પુરવઠા તંત્રએ નગરપાલિકા કે સોસાયટીઓના રહીશોને જાણ કર્યા વગર પાણી બંધ કરી દેતા છેલ્લા એક મહિનાથી પાણીના ધાંધિયા સર્જાયા છે. પાણી પુરવઠા તંત્રની બેદરકારીને કારણે સ્થાનિક લોકોને હાલાકીનો સમાનો કરવો પડે છે. જો કે અગાઉ પણ પાણી મધરાત્રે કે અનિયમિત આવતું હતું. હવે એક મહિનાથી પાણી ન આવતા લોકોને પાણી વેચાતું લેવું પડે છે.આ રજુઆતને પગલે ચીફ ઓફિસરે એ વિસ્તારમાં ટુક સમયમાં નવી પાણીની લાઈન નગરપાલિકા દ્વારા નાખીને આ પાણી પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.

(10:21 pm IST)