Gujarati News

Gujarati News

News of Sunday, 24th October 2021

કચ્છના સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર સુરજબારી બ્રિજ પાસે ડમ્પર અને ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત : ટ્રક ચાલકને ઈજા થતા ૧૦૮ મારફતે હોસ્‍પિટલે ખસેડાયો

અકસ્‍માતને કારણે બન્‍ને બાજુ રસ્‍તા પર 15 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો: જિલ્લાની પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટેના પ્રયાસ હાથ ધર્યા હતા

 

કચ્: કચ્છને સૌરાષ્ટ્ર સાથે જોડતા સામખિયાળી-મોરબી ધોરીમાર્ગ પર આજે વહેલી સવારે સુરજબારી ઓવરબ્રિજથી આગળ માળિયા બાજુ ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેના પગલે આ માર્ગ અવરોધાઈ જવા પામ્યો હતો. અકસ્માતને પગલે ટ્રાફિક એક-માર્ગીય બનતા ટ્રાફિકજામ થતો ગયો હતો, જે બંન્ને તરફ અંદાજિત 15 કિલોમીટર સુધી પહોંચ્યો હતો. આ ઘટનાને પગલે બંન્ને જિલ્લાની પોલીસે ટ્રાફિક નિયંત્રણ માટેના પ્રયાસ હાથ ધર્યા હતા.

કચ્છના પ્રવેશદ્વાર સુરજબારી ઓવરબ્રિજ અને માળિયા વચ્ચેના માર્ગે આજે તા. 24 ઓક્ટોબરની વહેલી સવારે ટ્રક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ટ્રક ચાલકને ઈજાઓ પહોંચી હતી, જેને 108 એમ્બ્યુલન્સ મારફતે સામખિયાળી ખાનગી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતના પગલે બંન્ને તરફના માર્ગે ટ્રાફિકજામની સમસ્યા ઉદભવી હતી, જેના પગલે નાના-મોટા સેંકડો વાહનોની રફતાર થંભી જવા પામી હતી. જેના પગલે અટવાઈ પડેલા લોકોને ભારે પરેશાની ભોગવવી પડી રહી છે. જો કે સામખિયાળી પોલીસે ઘટનાસ્થળે પહોંચી અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી દૂર ખસેડવાની કામગીરી હાથ ધરી હતી તેમજ માળિયા પોલીસ પણ ટ્રાફિકને હળવો કરાવવા કામે લાગી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ માર્ગે વારંવાર સર્જાતી ટ્રાફિકજામની સમસ્યાથી વાહનચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે તંત્રએ સુચારુ ટ્રાફિક નિયંત્રણ પ્રક્રિયા અમલમાં લાવવાની જરૂરિયાત છે તેવી ઈચ્છા પ્રવાસીવર્ગે વ્યક્ત કરી હતી.

(3:56 pm IST)