Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

કચ્છમાં કોરોનાના ફુંફાડા વચ્ચે હોમ આઇસોલેશનના દર્દીઓ વધ્યા- ચોપડે કેસો ઓછા? એકમાત્ર સુખપર ગામમાં જ ૧૨૫ કેસ, ભુજમાં કન્ટેન્મેન્ટ ઝોન કરતાં કેસો ઓછા કેમ?, જાણકારીના અભાવે દર્દીઓના સંપર્કમાં આવનાર વર્ગ વધ્યો

(વિનોદ ગાલા દ્વારા(ભુજ) કોરોના મામલે કોર્ટના ઠપકા પછી સરકાર હોય કે તંત્ર સુધરશે ખરાં? કોરોનાની ફરી વધી રહેલી મહામારી વચ્ચે આંકડાઓની લુકાછૂપીના ખેલથી લોકોમાં ક્યાંક ને ક્યાંક સંક્રમણ વધતું હોવાની ચિંતા પ્રવર્તિ રહી છે.

       કચ્છમાં તંત્ર દ્વારા નવા ૧૧ દર્દીઓ જાહેર કરાયા છે. પણ, મૂળ વાત એ જાહેર થતાં આંકડાઓ સામે છે. હવે હોસ્પિટલના ખાલી બેડની સંખ્યા દર્શાવાતી નથી. પરિણામે દર્દીઓની સંખ્યા અંગે અવઢવ રહે છે. તો, ભુજમાં કન્ટેન્મેન્ટ ઝોન કરતાં દર્દીઓની ઓછી સંખ્યા ચર્ચાનો વિષય બની છે. એવું જ ભુજની ભાગોળે આવેલા સુખપર ગામમાં છે. અહી કરાયેલા રેપિડ ટેસ્ટમાં ૧૨૫ કેસ પોઝિટિવ હોવાની ચર્ચા છે. જોકે, ચોપડે માત્ર ગણતરીના કેસ જ ચડે છે. જ્યારે આવું જ હોમ આઇસોલેશનના દર્દીઓની બાબતે છે.

       હવે, પ્રાઈવેટ ટેસ્ટ કરાવી જાતે જ ઘેર રહી ખાનગી તબીબોની સારવાર લેતાં દર્દીઓની સંખ્યા ચોપડે ચડતી નથી. પરિણામે જાણતા અજાણતાં કોરોનાના પોઝિટિવ દર્દીઓના સંપર્કમાં આવનારાઓમાં સંક્રમણ વધી રહ્યું છે. કચ્છમાં કુલ દર્દીઓની સંખ્યા ૩૧૨૩ થઈ છે. જ્યારે સાજા થનાર ૨૭૯૦ અને ઍકિટ્વ કેસ ૨૧૬ છે. મોતની સંખ્યા બાબતે અવઢવ વચ્ચે ચોપડે ૭૧ દર્શાવાય છે.

(9:18 am IST)