Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

સુરેન્દ્રનગર:સૌની યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ : 20 ફૂટ ઊંચો ફુવારો ઉડ્યો : ખેતરોમાં પાણી ફરી વળ્યા

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી ગયું; ખેતરોમાં પાકને નુકસાન થયું

સુરેન્દ્રનગરના ચુડા તાલુકામાંથી પસાર થતી સૌની યોજનાની પાણીની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી ગયું હતું. પાણી એટલા ફોર્સથી આવતું હતું કે તેનો ફૂવારો જ 20 ફૂટ ઉંચો ઉડ્યો હતો.

  સૌની યોજનાની આ પાઇપલાઈનના ભંગાણના કારણે આસપાસના ખેતરોમાં ભર શિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેતરોમાં પાઈપલાઈનના પાણી ફરી વળતાં ખેડૂતોના માથે આફત આવી પડી હતી.વડોદથી નાગડકા તરફ જતી સૌની યોજનાની પાણીની પાઈપલાઈનમાં આજે ચોકડી ગામ પાસે ભંગાણ સર્જાયું હતું. પાણીનો ફોર્સ એટલો પ્રચંડ હતો કે ગણતરીની મિનિટોમાં જ આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

  ખેતરમાં પાણી ફરી વળ્યા હોવાથી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આસપાસનાં દસ જેટલાં ખેતરોમાં ખેડૂતોએ કરેલા જીરા અને ઘઉં સહિતના વાવેતરને નુકસાન થયું હતું. વડોદથી નાગડકા તરફ જતી પાણીની લાઈનમાં ભંગાણ થવાના કારણે એટલા ફોર્સથી પાણી નીકળી રહ્યું હતું કે કોઈ વ્યકિતની નજીક જવાની હિંમત પણ ન ચાલે. ભંગાણ અંગેની સરકારી તંત્રને જાણ થતાં પાણી બંધ કરાવ્યું હતું.

(11:59 pm IST)