Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ગઢડાનાં ટાટમ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત ફોટો પ્રદર્શન સહ વિશેષ કાર્યક્રમનું ઉદ્ધાટન : કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા આયોજન

સ્વતંત્રતા સંગ્રામ અને સ્વાતંત્ર્ય સેનાનીઓની જાણકારી સાથેના દુર્લભ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન : આઝાદીની ગાથાને વર્ણવતું ફોટો પ્રદર્શન બાળકો અને યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશે: દેવેન્દ્ર ત્રિવેદી

 આઝાદીના અમૃતમહોત્સવની ઉજવણીના ભાગરૂપે લોકોમાં સ્વાતંત્ર્ય સંગ્રામની એ ચળવળની ઝાંખી કરાવતું અને સ્વાતંત્ર્ય સેનાનીઓની સચિત્ર જાણકારી આપતું ફોટો પ્રદર્શનનું  ટાટમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જે ખરેખર આનંદની વાત છે અને  પ્રદર્શન સાથેનાં વિશેષ કાર્યક્રમનું આયોજન એ અભિનંદનને પાત્ર છે.   કેમ કે આઝાદીની લડાઇ અને એ લડાઇને લડનારા સ્વાતંત્ર્યવીરોના બલિદાનને યાદ રાખવા અને આવનાર પેઢીને પણ તેની જાણકારી આપતી રહેવી તે આપણા સૌની ફરજ છે. જય શ્રી સ્વામિનારાયણ ઘીયા  ગુરુકુળ સ્કૂલ કેમ્પસ, ટાટમ ખાતે આઝાદીનો અમૃત મહોત્સવ નિમિત્તે આયોજીત ચિત્ર પ્રદર્શનના ઉદધાટન સમારોહમાં  પરમ આદરણીય શ્રીજી શરણદાસજી સ્વામીએ આ વાત કહી હતી.

        કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢ દ્વારા બોટાદ જિલ્લાના ગઢડાના જય શ્રી સ્વામિનારાયણ ઘીયા  ગુરુકુળ સ્કૂલ કેમ્પસ, ટાટમ ખાતે આયોજીત પ્રદર્શનને  ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ઉદઘાટન સમારોહમાં  તાલુકા પંચાયતના પ્રમુખ પ્રવીણભાઈ મેર, ગઢડા સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈ, ગઢડાના સામાજિક અગ્રણી પ્રભાતભાઈ યાદવ, સાળંગપરડા ગામના સરપંચ ભરતભાઈ રાઠોડ, જય શ્રી સ્વામિનારાયણ ઘીયા ગુરુકુળના શ્રીજી સરણદાસજી સ્વામી તથા સંચાલક શ્રી વી એમ સ્વામી,ગુરુકુળ સ્કૂલના આચાર્ય દેવેન્દ્રભાઈ રામાણી આઈસીડીએસ ગઢડાના સીડીપીઓ અરુણાબેન તાલુકા પંચાયતના અધિકારીગણ, હેલ્થ વિભાગના અધિકારીગણ,શાળાના શિક્ષકગણ તેમજ ગામના સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

         આઝાદીની ગાથાને વર્ણવતું ફોટો પ્રદર્શન બાળકો અને યુવાપેઢીમાં રાષ્ટ્રપ્રેમ ઉભો કરશે એવું કહેતાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો, જુનાગઢના અધિકારી શ્રી દેવેન્દ્ર ત્રિવેદીએ  જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ વિષયને લઇને તૈયાર કરેલા આ ફોટો પ્રદર્શનમાં આઝાદી માટેના સંધર્ષના મુખ્ય સીમાચિન્હો જેવાંકે અસહકારનું આંદોલન, સવિનય કાનુનભંગ, દાંડીકૂચ, ભારત છોડો આંદોલન વગેરે આઝાદીની ચળવળો તેમજ મહાત્મા ગાંધીજી, સરદાર પટેલ, નેતાજી સુભાષચંદ્ર બોઝ જેવાં આઝાદીના ચળવળમાં ભાગલેનાર અને દેશને આઝાદી અપાવવામાં તેમનું યોગાદન દેનાર એ સ્વાતંત્ર સેનાનીઓ, રાષ્ટ્રિય નેતાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યાં છે. સાથેજ ગાંધીજીનું સમગ્ર જીવન-કવન તસવીર અને તારીખ સાથે રજૂ કર્યું છે. તેમજ સ્વચ્છ ભારત અભિયાનને પણ આ પ્રદર્શનનો એક ભાગ બનાવવામાં આવ્યો છે. દેશભરમાં ચાલી રહેલ આઝીદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં દેશનો પ્રત્યેક નાગરિક જોડાય અને આ મહોત્સવ જન-જનનો મહોત્સવ બને તે આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય હોવાનું જણાવ્યું હતું.

           પ્રેરક ઉદબોધન કરતાં સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સોમાભાઈએ સ્વાતંત્ર સેનાનીઓના પ્રેરક પ્રસંગોને વાગોળ્યા હતા. સાથે જ બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા ચાલી રહેલ સ્વચ્છ ભારત અભિયાનમાં સૌને જોડાઇ જઇ અભિયાનને સફળ બનાવવાના હાંકલ કરી હતી   

           કાર્યક્રમના ભાગરુપે આયોજિત કરેલ ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઇનામો આપી પુરસ્કૃત કરાયા હતાં. કાર્યક્રમમાં સ્વચ્છ ભારત અભિયાન અંગે લોકજાગૃતિ આવે તે હેતુથી સ્વચ્છતા રેલી યોજાઈ હતી. સાથે જ તાલુકા પંચાયતના એસબીએમ વિભાગ દ્વારા એક સ્ટોલનું પણ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. પોષણ અભિયાન અંતર્ગત આઈસીડીએસ વિભાગ દ્વારા પૌષ્ટિક વાનગી નિદર્શન તેમજ આઇસીડીએસ ની વિવિધ પ્રવૃત્તિઓની જાણકારી આપતા સ્ટોલ નું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે  સરકારના વિભિન્ન અભિયાનો  અંગે જન જાગૃતિ આવે તેવા સંદેશાઓ  સાથેના નાટકની પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જય શ્રી સ્વામિનારાયણ ઘીયા  ગુરુકુળ સ્કૂલ કેમ્પસ, ટાટમ ખાતે આયોજીત આ ફોટો પ્રદર્શન 24 અને 25 જાન્યુઆરી બે દિવસ સુધી સવારે 09.00 થી સાંજના 05.00 કલાક સુધી જાહેર જનતા માટે ખુલ્લુ રાખવામાં આવશે.

(10:07 am IST)