Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

દીકરીને પણ ધરતી ઉપર જન્મવાનો અધિકાર છે

કચ્છમાં અજરામર ટ્રસ્ટ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસ ઉજવાયો

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫

 દીકરીને પણ ધરતી પર જન્મવાનો અધિકાર છે અને તે શિક્ષિત બની સમાજના સામાન્ય પ્રવાહમાં ઉછેર સાથે આગળ વધે તે માટે સરકાર દ્વારા બાલ મંદિરથી કોલેજ અને ઉચ્ચ શિક્ષણની વિનામૂલ્યે સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અને તેનો લાભ લઇ દીકરીઓ આગળ વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.  

     ૨૪ વર્ષ થયા વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતા અને વિશેષ કરીને મહિલા સશક્તિકરણ ક્ષેત્રમાં કાર્યરત અજરામર ટ્રસ્ટ ભુજ દ્વારા રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી જિલ્લા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રનાં સહયોગમાં રહી કરવામાં આવી હતી જેમાં ભુજના જાહેર સ્થળો પર જન જાગૃતિના બેનરો લગાવવામાં આવ્યા હતા.સંસ્થાના ટ્રસ્ટી ભવ્ય બોરીચા સહયોગી બન્યા હતા.    

 માતાના ગર્ભમાં ઉછરતો જીવ દીકરી છે કે દીકરો તે જાણવા જાતીય પરીક્ષણ કરવું તે ગુનો બને છે દીકરી જન્મે તે પહેલા જ ભ્રૂણહત્યા કરી દેવામાં આવે છે. આવા ગર્ભ પરીક્ષણ અને ભ્રૂણ હત્યાના બનાવો બનતા અટકાવવા સરકાર દ્વારા કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. ભ્રૂણ હત્યાના પ્રમાણમાં ઘટાડો આવે અને  સ્ત્રી જન્મ ઓછો છે તેમાં વધારો કરવા અને સ્ત્રી ભ્રૂણ હત્યાનુ પ્રમાણ ઘટે અને જન્મ દર વધે એ માટે લોકોમાં જાગૃતિ આણવા બેટી બચાવો બેટી પઢાવો યોજના  અંતર્ગત જાગૃતિ અભિયાન હાથ ધરાય છે. વિવિધ કાર્યક્રમોનાં માધ્યમથી સ્ત્રી સશક્તિકરણ માટે વિસ્તૃત કામગીરી કરવામાં આવે છે તે અન્વયે જાન્યુઆરી માસના ત્રીજા અઠવાડિયામાં રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

  જિલ્લા મહિલા અને બાળ અધિકારી સુલોચનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા કેન્દ્રના કેન્દ્ર સંચાલક નીતાબેન દોટ, સામાજિક કાર્યકર મીનાબેન બોરીચા તેમજ ભુજ તાલુકા વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કેન્દ્ર સંચાલક કુસુમ સૈયદ અને સામાજિક કાર્યકર પ્રેમીલાબેન માંગલિયા દ્વારા સમરસ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવો અંગે શપથ લેવડાવામાં આવ્યા હતા.

(10:14 am IST)