Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ચોટીલાના શેખલીયામાં પૂર્વ સરપંચની ક્રુર હત્‍યા

તને ના પાડી'તી તોય સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યુ ને...કહી ગાંડુ રજની કુમારખાણીયાને પુત્ર ભારત અને પિતા ગાંડુ ભીમા સાથે મળી કાસળ કાઢયું : ગોવિંદભાઇ ગોળીયા (ઉ.વ.૪૯) માતાજીના મઢેથી દર્શન કરીને કુટુંબી ભાઇ સાથે તેના ઘર પાસે પહોંચ્‍યા ત્‍યાં કુહાડાનો ઘા થયોઃ કુવાડવા હોસ્‍પિટલમાં દમ તોડયોઃ મૃતદેહનું રાજકોટમાં પોસ્‍ટમોર્ટમઃ ત્રણેય આરોપીઓને નાની મોલડી પોલીસે સકંજામાં લીધા : ગોવિંદભાઇને પિત્રાઇની હાજરીમાં ભારત પાછળથી ગળે ચોંટી ગયો ને પછાડી દીધા, ગાંડુભાઇએ હાથ પકડી લીધા અને રજનીએ કુહાડો ઝીંકી દીધોઃ પિત્રાઇ દેવરાજ બચાવવા જતાં તેને પણ રજનીએ કહ્યું-વચ્‍ચે આવીશ તો તનેય પુરો કરી નાંખીશ

નાની મોલડી પોલીસે ત્રણેય આરોપીઓને કલાકોમાં ઝડપી લીધા હતાં (ફોટોઃ હેમલ શાહ-ચોટીલા)

 

રાજકોટ તા. ૨૫: ચોટીલાના શેખલીયા ગામમાં પૂર્વ સરપંચની કુહાડાના ઘા ઝીંકી ક્રુર હત્‍યા કરવામાં આવતાં ગામમાં સનસનાટી મચી ગઇ છે. નાની મોલડી પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણ આરોપીઓને દબોચી લીધા છે. સરપંચની ચૂંટણીના મનદુઃખને કારણે ગામના જ એક શખ્‍સે પોતાના પુત્ર અને પિતા સાથે મળી રહેંસી નાંખ્‍યા હતાં. હુમલામાં ગંભીર રીતે ઘાયલ પૂર્વ સરપંચને કુવાડવા હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં દમ તોડી દીધો હતો. મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડવામાં આવ્‍યો હતો. હત્‍યાના આ બનાવને પગલે ચોટીલામાં પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો હતો.

ચોટીલાથી હેમલ શાહના અહેવાલ મુજબ શેખલીયા ગામે રહેતાં પૂર્વ સરપંચ ગોવિંદભાઇ કાળાભાઇ ગોળીયા (ઉ.વ.૪૯) ઉપર ગત સાંજે ગામમાં જ તેમના કુટુંબી ભાઇના ઘર પાસે ત્રણ જણાએ કુહાડાથી હુમલો કરતાં માથામાં ગંભીર ઇજા થતાં સારવાર માટે કુવાડવા ખસેડાયા હતાં. પરંતુ ત્‍યાં મોત નિપજતાં નાની મોલડી પોલીસે હત્‍યાનો ભોગ બનેલા ગોવિંદભાઇના પુત્ર જેરામ ગોવિંદભાઇ ગોળીયા (ઉ.૨૩)ની ફરિયાદને આધારે શેખલીયા ગામના જ રજની ગાંડુભાઇ કુમારખાણીયા, તેના પુત્ર ભરત રજનીભાઇ કુમારખાણીયા અને પિતા ગાંડુ ભીમાભાઇ કુમારખાણીયા વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધી ત્રણેયને પકડી લીધા છે.

જેરામે પોલીસને જણાવ્‍યું છે કે હું ખેતી કરી ગુજરાન ચલાવુ છું. અમે બે ભાઇઓ અને એક બહેન છીએ. જેમાં હું મોટો છું. હું માતા-પિતા સાથે જ રહું છું. મંગળવારે હું મામાની દિકરીના લગ્નમાં કાબરણ ગામે ગયો હતો. સાંજે ચારેક વાગ્‍યે હું બાઇક હંકારી લગ્નમાંથી મારા ગામ શેખલીયા જતો હતો ત્‍યારે ડાકવડલા પહોંચતા મારા ભાઇ જયસુખે ફોન કરીને કહ્યું હતું કે બાપુને ગાંડુ ભીમા, રજની અને ભારતે માથામાં કુહાડો મારી દીધો છે, બહુ લોહી નીકળે છે તું જલ્‍દી આવી જા. આથી હું તુરત અમારા ગામ શેખલીયામાં માતાજીના મઢ પાસે પહોંચ્‍યો હતો. જ્‍યાં મારા બાપુજી ગોવિંદભાઇ ગોળીયા લોહીલુહાણ બેભાન હાલતમાં પડેલા જોવા મળ્‍યા હતાં. તેમના શ્વાસ ચાલુ હોઇ અને મોઢામાંથી પણ લોહી નીકળતું હોઇ અમે તુરત ઇકો ગાડીમાં તેમને દવાખાને લઇ જવા રવાના થયા હતાં.

કુવાડવા સરકારી દવાખાને અમે તેમને લઇ ગયા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્‍યું હતું. અમે તેમને દવાખાને લઇને જતાં હતાં ત્‍યારે રસ્‍તામાં મારી સાથે મારા કુટુંબી કાકા દેવરાજભાઇ લઘરાભાઇ પણ હોઇ તેમણે મને વાત કરી હતી કે-હું અને તારા બાપુજી બંને માતાજીના મઢે દર્શન કરી મારા ઘર પાસે આવ્‍યા ત્‍યાં જ રજની, ગાંડુ અને ભારતે ધસી આવી હુમલો કર્યો હતો. જેમાં ભારતે તારા બાપુને પાછળથી ગળે ચોંટી જઇ પકડી લીધા હતાં અને ગાંડુએ તારા બાપુના હાથ પકડી લીધા હતાં અને કહ્યુ઼ હતું કે-તને સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભરવાની ના પાડી હતી તો'ય શું કામ ભર્યુ હતું? તેમ કહી ગાળો દીધી હતી. તારા બાપુ ઉભા થવા જતાં હતાં ત્‍યાં જ રજનીએ કુહાડાનો ઘા તેમના માથામાં મારી દીધો હતો અને તે ઢળી પડયા હતાં. હું તારા બાપુને છોડાવવા માટે જતાં રજનીએ મને પણ કુહાડો બતાવી નજીક આવતો નહિ, નહિતર તને પણ જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી.

એ પછી રાડારાડી થતાં બીજા લોકો ભેગા થઇ જતાં રજની, તેના પિતા અને તેનો પુત્ર એમ ત્રણેય ભાગી ગયા હતાં. આ વાત મને મારા કાકા દેવરાજભાઇએ કરી હતી. જેરામે વધુમાં કહ્યું હતું કે મારા બાપુ અગાઉ ગામના સરપંચ હતાં. ગત ચૂંટણીમાં ફરીથી તેમણે ફોર્મ ભર્યુ હતું. ત્‍યારે તેને ગાંડુ અને રજનીએ ફોર્મ ભરવાની ના પાડી માથાકુટ કરી હતી. આમ છતાં મારા બાપુએ ફોર્મ ભર્યુ હોઇ તેનો ખાર રાખી તેમની હત્‍યા કરવામાં આવી હતી. તેમ જેરામે વધુમાં જણાવ્‍યું હતું.

હત્‍યાનો ભોગ બનનાર ગોવિંદભાઇના મૃતદેહને પોસ્‍ટ મોર્ટમ માટે રાજકોટ ખસેડાયો હતો. સીપીઆઇ આઇ. વી. વલવીના માર્ગદર્શન હેઠળ ઇન્‍ચાર્જ પીએસઆઇ વી. ઓ. વાળા, દેવેન્‍દ્રભાઇ, હિતેષભાઇ, નરેશભાઇ સહિતે ગુનો નોંધી આરોપીઓને પકડી લીધા હતાં. બનાવને પગલે ગામમાં સુલેહશાંતિ જોખમાય નહિ તે માટે બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

(11:35 am IST)