Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ભારતનું સૌથી મોટું સ્‍મારક અને મ્‍યુઝિયમ એટલે ભુજનું સ્‍મૃતિવન : ૪ મહિનામાં ૨.૮૦ લાખથી વધુ મુલાકાતીઓ

વર્ષ ૨૦૦૧માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારાઓની સ્‍મૃતિમાં નિર્માણ : રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા માટે મ્‍યુઝિયમમાં ખાસ થિયેટર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : ૨૮ ઓગસ્‍ટ ૨૦૨૨ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ કચ્‍છના ભુજમાં સ્‍મૃતિવનનું લોકાર્પણ કર્યું હતું. ૨૬ જાન્‍યુઆરી ૨૦૦૧ના ત્રાટકેલા ગોઝારા ભૂકંપે કચ્‍છને ઘમરોળી નાખ્‍યું હતું અને તેમાં ભોગ બનેલા નાગરિકોના સન્‍માનમાં આ સ્‍મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્‍યું છે. અહીં જાન્‍યુઆરી ૨૦ સુધી માત્ર ચાર મહિનાના ગાળામાં જ ૨ લાખ ૮૦ હજારᅠ લોકોએ સ્‍મારકની મુલાકાત લીધી છે જયારે ૧ લાખ ૧૦ હજારથી વધુ લોકોએ મ્‍યુઝિયમની મુલાકાત લીધી છે. મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલના નેતૃત્‍વમાં રાજયમાં વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્‍ટ પર કામગીરી થઇ રહી છે, જેના લીધે છેવાડાના માનવી સુધી ખુશહાલી પહોંચી છે.ᅠ

ફીટનેસ, યોગ ક્‍લાસ, ઓપન માઇક અને સંગીતના કાર્યક્રમો

ભુજ તેમજ રાજયના નાગરિકો એકસાથે આવી શકે તે હેતુથી અહીં યોગ ક્‍લાસ અને વર્કશોપ, ઓપન માઇક, સ્‍કેટિંગ કાર્યક્રમો, ઝુમ્‍બા ગેટટુગેધર, વોટિંગ માટેની જાગૃતિના કાર્યક્રમ, સંગીતના કાર્યક્રમ અને ૨૧,૦૦૦ૅ દીવાઓથી દિવંગતોની શાંતિ માટેના કાર્યક્રમ યોજાય છે. તેના લીધે સ્‍મૃતિવન એક સાંસ્‍કૃતિક કેન્‍દ્ર પણ બન્‍યું છે જેમાં ભુજ સહિત આસપાસના વિસ્‍તારોમાંથી લોકો આવી રહ્યાં છે.ᅠ

જાણીતી હસ્‍તીઓ મ્‍યુઝિયમથી અભિભૂત થઈ

ખ્‍યાતનામ દિગ્‍ગજોએ ભુજિયા ડુંગર પર નિર્માણ કરાયેલા આ મ્‍યુઝિયમની પ્રશંસા કરી છે. તેમાં જાણીતા રાજનેતાઓ, સશસ્ત્ર દળના અધિકારીઓ, સફળ સીઇઓ, ક્રિકેટર્સ, અભિનેતાઓ, ભૂતપૂર્વ મુખ્‍યમંત્રી, આરબીઆઇના ગવર્નર અને અન્‍ય મહાનુભાવોનો સમાવેશ થાય છે.ᅠ

મુલાકાતીના પ્રતિભાવ

‘હું મારા દેશવાસીઓને ખૂબ નમ્રતા સાથે કહેવા માંગુ છું કે આપણું સ્‍મૃતિવન વિશ્વના અમુક શ્રેષ્ઠ સ્‍મારકો અને સંગ્રહાલયોની સરખામણીમાં એક ડગલું પણ પાછળ નથી. હું કચ્‍છના લોકોને વિનંતી કરવા માંગુ છુંᅠ કે તમારા ઘરે જયારે કોઈ મહેમાન આવે, તો કૃપા કરીને સ્‍મૃતિવનની મુલાકાત લીધા વિના તેમને જવા ન દેશો. હું કચ્‍છના શિક્ષણ વિભાગને પણ વિનંતી કરવા માંગુ છું કે જયારે પણ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવે ત્‍યારે શાળાના બાળકોને અહીં લાવવામાં આવે.' -શ્રી નરેન્‍દ્રભાઈᅠ મોદી, વડાપ્રધાન

‘૨૦૦૧ના ધરતીકંપનો સાર જેટલી સારી રીતે અહીં ગ્રહણ કરવામાં આવ્‍યો છે, તે એક નમ્ર અનુભવ છે. તે આપણને પ્રકૃતિનો આદર કરવાનું શીખવે છે અને સાથે એ પણ શીખવે છે કે પ્રકૃતિ આપણા જીવનમાં કેટલો મહત્‍વનો ભાગ ભજવે છે. જે જીવ આપણે ગુમાવ્‍યા છે, તે ખૂબ જ દુઃખની ક્ષણ હતી. ભૂકંપથી પ્રભાવિત થયેલા લોકોના પુનર્વસન માટે અથાક મહેનત કરનારી ટીમને હું અભિનંદન આપું છું. સ્‍મૃતિવનના નિર્માણમાં સંકળાયેલી ટીમની પણ હું પ્રશંસા કરવા માંગુ છું, અને અસરગ્રસ્‍ત લોકોની સ્‍મૃતિને જાળવી રાખવા અને ભવિષ્‍યની પેઢીને આપત્તિની તૈયારીના મહત્‍વ વિશે શિક્ષિત કરવા માટેના સંગ્રહાલયના પ્રયાસોને બિરદાવું છું.'

-શ્રી શક્‍તિકાંત દાસ, ગવર્નર, ભારતીય રિઝર્વ બેન્‍ક

ᅠ‘મ્‍યુઝિયમના દરેક નાના ખૂણામાં એક વાર્તા છે જેનો દરેક વ્‍યક્‍તિએ ઓછામાં ઓછો એકવાર અનુભવ કરવો જોઈએ. અવશ્‍ય મુલાકાત લેવી જોઈએ.' -શુભમ, ચેન્નઇથી આવેલ મુલાકાતી

‘તે એક સુંદર અનુભવ હતો. આટલી સુંદર ઇમારત, અને તેની અંદર જે છે તે તેનાથી પણ વધુ સુંદર છે. કચ્‍છના લોકોની ખુમારી સુંદર રીતે દર્શાવવામાં આવી છે, અને તે ખૂબ સન્‍માનનીય છે. તમને તે ચોક્કસ ગમશે.' -રશેલ, સ્‍પેનથી આવેલ મુલાકાતી.

(11:36 am IST)