Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

જસદણમાં કોન્ટ્રાકટરની મનમાની સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા : ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા

પાલિકાએ ત્રણ મહિના પૂર્વે વરસાદી પાણીના નિકાલ માટે ખોદેલા ખાડા નહીં બુરતા સત્તાપક્ષના કોર્પોરેટર સહિતના લોકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો

(નરેશ ચોહલીયા દ્વારા) જસદણ તા. ૨૫ : જસદણ નગરપાલિકા દ્વારા શહેરના તાલુકા સેવાસદનથી લઈને શ્રીજી પ્રેસ સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યા હલ કરવા માટે લાખો રૃપિયાના ખર્ચે છેલ્લા ત્રણેક મહિનાથી પાઈપ નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે.

પરંતુ આ કામના કોન્ટ્રાકટરને જાણે કે કોઈ કહેવાવાળું ન હોય તેમ પોતાની મરજી મુજબ કામગીરી કરવામાં આવતી હોવાથી નગરજનોમાં ભારે નારાજગી ઉઠવા પામી હતી. જસદણ શહેરના વાજસુરપરા વિસ્તારમાં આવેલ રોકડીયા હનુમાનજી મંદિર સામે નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા અંદાજે ત્રણેક મહિના પહેલા વરસાદી પાણીના નિકાલના પાઈપ નાખવા માટે ખાડાઓ ખોદી નાખવામાં આવ્યા હતા અને ખોદેલા ખાડાઓને બુરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાથી અકસ્માતોના બનાવો વધી રહ્યા હતા. જેના કારણે આ રોડ પરથી પસાર થતા રાહદારીઓ અને વાહનચાલકો સહિતના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આખરે જસદણ નગરપાલિકાના વોર્ડ નં.૨ ના સદસ્ય બીજલભાઈ ભેંસજાળીયા, સદસ્ય પ્રતિનિધિઓ દુર્ગેશભાઈ કુબાવત, પ્રવિણભાઈ ઘોડકીયા સહિતના સ્થાનિક લોકોએ શહેરના કમળાપુર રોડ પર કોન્ટ્રાકટરની મનમાની સામે રોષ ઠાલવવા રસ્તો રોકી વિરોધ નોંધાવતા ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા અને જસદણ નગરપાલિકા તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

આ તકે ઉપસ્થિત લોકોએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી નગરપાલિકાના કોન્ટ્રાકટર દ્વારા ઠેરઠેર ખાડાઓ ખોદવામાં આવ્યા છે. જેથી તાત્કાલિક નગરપાલિકાએ ખોદેલા ખાડાઓને બુરવામાં આવે અથવા તો કામગીરી તાત્કાલિકના ધોરણે પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જ્યાં સુધી કોન્ટ્રાકટરે ખોદેલા ખાડાઓને બુરવામાં નહી આવે ત્યાં રસ્તા રોકો આંદોલન ચાલુ રહેશે તેવી ચીમકી ઉચ્ચારતા સ્થાનિક પોલીસ તંત્ર પણ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને ટ્રાફિક હલ કરવાની કામગીરી હાથ ધરી હતી. બાદમાં જસદણ નગરપાલિકાના મ્યુનીસીપલ ઈજનેર એમ.એન.ડાંગર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જેસીબીની મદદથી ખાડાઓને બુરવાની કામગીરી શરૃ કરતા લોકોએ રસ્તા રોકો આંદોલન સમેટી લીધું હતું.(

(11:45 am IST)