Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

કાલે સૌરાષ્‍ટ્ર - કચ્‍છમાં છવાશે દેશભકિતનો માહોલ : પ્રજાસત્તાક પર્વ

ધ્‍વજવંદન, દેશભકિના ગીતો, સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું સર્વત્ર આયોજન

રાજકોટ તા. ૨૫ : કાલે રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રજાસત્તાક પર્વની દેશભકિતના માહોલમાં ઉજવણી કરાશે. સર્વત્ર ધ્‍વજવંદનનું આયોજન કરાયું છે.  ધ્‍વજવંદન, દેશભકિતના ગીતો, સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું ભવ્‍ય આયોજન કરાયું છે.

ટંકારા

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા : ભારતના ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે આવતીકાલે ગુરૂવારના રોજ સવારે ૯ કલાકે સજજનપર ગામે ટંકારા મામલતદાર કે.જી. સખીયાના વરદ હસ્‍તેᅠ ધ્‍વજવંદનનો કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે સાંસ્‍કૃતિક કાર્યક્રમ તથા મામલતદારᅠ દ્વારા પ્રજાસત્તાક દિનની શુભેચ્‍છાઓ પાઠવાશે.

ખંભાળીયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ ખંભાળીયામાં ભાણવડ રોડ પર આવેલા પોલીસ પરેડ ગ્રાઉન્‍ડ ખાતે સવારે નવ વાગ્‍યે કરવામાં આવશે.

આ ઉજવણીના આયોજન અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ગઇકાલે મંગળવારે એક રીહર્સલનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ રીહર્સલ પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર એમ.એ.પંડયાએ સાંસ્‍કૃતિક કાર્યક્રમો, બેઠક વ્‍યવસ્‍થા, પાણીની વ્‍યવસ્‍થા સહિતની બાબતે અધિકારીઓને જરૂરી સુચનો પણ કર્યા હતા.  આ રીહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.ધાનાણી, દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા, અહીંના પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સહિત જુદા-જુદા વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:32 pm IST)