Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

મોરબી : મતદારયાદીની શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને સન્માનીત કરી રાષ્ટ્રીય મતદાતા દિનની ઉજવણી.

મોરબીની એલ.ઈ. કોલેજ ખાતે ૨૫ જાન્યુઆરી મતદાર દિન અન્વયે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય મતદાતાદિનની ઉજવણી કરવામાં આવી  હતી. જે અન્વયે મતદારયાદી સંબંધિત શ્રેષ્ઠ કામગીરી બદલ કર્મચારીઓને અને અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. એમ. કાથડએ જણાવ્યું હતું કે, આજના દિવસને ઉજવવાનો મુખ્ય હેતુ મતદાનમાં આજના યુવાનોની હિસ્સેદારી વધારવાની છે. જનતાને લોકશાહીનું હાર્દ ગણાવતા તેમણે જણાવ્યું હતું કે, કોના હાથમાં દેશનું સુકાન આપવું એ અંગેના નિર્ણય લેવાની સતા લોકોના હાથમાં છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ચૂંટણી કાર્ડ માટે અરજી આપવી હવે વધારે સરળ બની ગઈ છે. તમે Voter Helpline app અથવા www.nvsp.in પર જઈને ચૂંટણી કાર્ડ મેળવવા તથા નામ ઉમેરવા અંગેની અરજી બાબતે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી ડી. એ.ઝાલાએ  જણાવ્યું હતું કે, આપણે સૌએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા વળગી રહેવું જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે, ૧૯૫૧ થી શરૂ થયેલ આ ચૂંટણીને કારણે આજે આપણે પ્રજાસતાક તરીકે સાચી લોકશાહી માણી શકીએ છીએ.
કાર્યક્રમની શરૂઆત ભારતીય પરંપરા મુજબ દિપપ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં એલ. ઈ. કોલજના  વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ વિષયક પ્રવચન આપવામાં આવ્યું હતું. ઉપરાંત એલ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગે સાંસ્કૃતિક કાર્યક્રમ અને વક્તવ્ય પણ આપવામાં આવ્યું. સાર્થક વિદ્યાલયની  વિદ્યાર્થીની પલક પીપળીયાએ “ લોકશાહીનું બળ જનતા” વિશે અભૂતપૂર્વ વ્યાખ્યાન આપ્યું હતું અને અન્ય વિદ્યાર્થીઓ દ્વારા “મતદાન મારો હક” નાટક પ્રસ્તુત કરાયું હતું.
આ તકે મતદારયાદી કામગીરી સાથે સંકળાયેલ અધિકારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરી પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા અને ચૂંટણી ફરજ દરમિયાન અવસાન પામેલ સ્વ. હિરલબેન કે. ચાવડાના વારસદાર એવા એના પતિ અશોકભાઇ કાનજીભાઇ મિયાત્રાને ખાસ કિસ્સામાં ચુંટણી પંચ દ્વારા મંજુર થયેલ સહાય રૂ. ૩૦,૦૦,૦૦૦ નો ચેક અર્પણ કરવામાં આવ્યો. ઉપરાંત સર્વે ઉપસ્થિતોએ ‘હું જરૂર મત આપીશ’ એ માટે શપથ પણ લીધા હતા.
આ પ્રસંગે મોરબી પ્રાંત અધિકારી ડી. એ. ઝાલા, વાંકાનેર પ્રાંત અધિકારી એ. એચ. સેરશિયા, જિલ્લા પુરવઠા અધિકારી ડી. સી. પરમાર અને એલ. ઇ. કોલેજના પ્રિન્સિપાલ સુથાર વગેરે સહિત જિલ્લાના અધિકારીઓ/કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા

(10:28 pm IST)