Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

રામોદમાં વર કન્યાનો સત્કાર સમારોહ સ્મશાનમાં : ભુત-ડાકણની વેશભુષામાં આગતા સ્વાગત

રાજકોટ : કોટડા સાંગાણી તાલુકાના રામોદ ગામના સ્મશાનમાં નવદંપતિનો અનોખો સત્કાર સમારોહ યોજાયો હતો. ભુત, પીશાચ, ડાકણની વેશભુષાઓ સાથે આગતા સ્વાગતા કરી જુની ગેરમાન્યતાઓ, કુરીવાજોને જાકારો આપવા સરસ પ્રયાસ કરાયો હતો. રાઠોડ પરિવારની જાન ગોંડલના મોવિયા ગામે સુરેશભાઇ દાનાભાઇને ત્યાં ગઇ હતી. લગ્નોત્સવ આનંદભેર સંપન્ન થયા બાદ નવ દંપતિનો સત્કાર સમારોહ સ્મશાન ખાતે યોજવામાં આવેલ. શુભ અશુભ, મુહુર્ત, ચોઘડીયાને તિલાંજલી અપાઇ. સાથો સાથ લોકોમાં અંધશ્રધ્ધા દુર થાય તે હેતુથી ભારત જન વિજ્ઞાન જાથાના સહયોગથી હાથમાંથી કંકુ ખરવુ, એકના ડબલ, સળગતા અંગારા ખાવા, બેડી આપો આપ તુટી જવી વગેરે પ્રયોગોનું નિદર્શન કરી લોકોને શીખવી દેવાયા હતા. કાર્યક્રમનું ઉદ્દઘાટન બીપીનભાઇ લક્ષ્મણભાઇ, ભાણાભાઇ ઘેલાભાઇ, કનુભાઇ લક્ષ્મણભાઇ, મનુભાઇ ચાંડપા, રમેશભાઇ સોલંકી, નરેશભાઇ પારઘી, સુરેશભાઇ રાઠોડ, મનસુખભાઇ ગોવિંદભાઇ, ભગતભાઇ અમરાભાઇ વગેરે ઉપસ્થિત રહેલ. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ સૌપ્રથમ નવદંપતિને શુભેચ્છા પાઠવી પ્રેરણારૂપ પ્રવચન આપ્યુ હતુ. ત્યાર બાદ વિજ્ઞાનના પ્રયોગો રજુ કરાયા હતા. આ કાર્યક્રમમાં કોટડા સાંગાણીના પોલીસ સ્ટાફના હિતેશભાઇ પરમાર, અલ્પેશભાઇ રાઠોડ, અમિતભાઇ પાતુભાઇ, રીઝવાનભાઇ બસીરભાઇ, અશોકભાઇ ડાંગરે ફરજ બજાવી હતી.

(11:35 am IST)