Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગરમાં ત્રીજી માર્ચથી શ્રી નાગેશ્વર મહાદેવના સાનિધ્યમાં પૂ. રમેશભાઇ ઓઝાની ભાગવત કથા

મહાયજ્ઞનું પણ આયોજન : દરરોજ સાંજે ઓનલાઇન આહુતી અપાશે

પત્રકાર પરિષદમાં વિગતો આપતા આયોજકો નજરે પડે છે. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

જામનગર, તા. રપ : સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બાર જયોર્તિંલીંગ પૈકીના જગપ્રસિદ્ધશ્રી નાગેશ્વર મહાદેવ મંદિરના પાવન સાનિધ્યમાં જામનગરના શ્રી બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત કથાકાર પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝાના સનમુખે શ્રીમદ્ ભાગવત કથાના રસપાનનું આયોજન કરવામાં આવ્યુ઼ છે.

સમસ્ત હિન્દુ જન કલ્યાણાર્થે શ્રીમદ ભાગવત કથાનો શુભારંભ તા. ૩-૩-ર૦ર૧ ના દિને થશે અને પૂર્ણાહૂતિ તા. ૯-૩-ર૧ ના દિને થશે. કથા શ્રવણનો સમય દરરોજ બપોરે ૩-૩૦ થી સાંજે ૭ વાગ્યા સુધીનો રહેશે. શ્રી બ્રહ્મ વિકાસ ચેરી. ટ્રસ્ટ દ્વારા સમસ્ત બ્રાહ્મણ સમાજ સંગઠન તથા સાંદીપની વિદ્યા નિકેતન (પોરબંદર) ના સહયોગથી આયોજીત શ્રીમદ ભાગવત કથામાં જે હિન્દુ પરિવાર તેમના પિતૃઓના કલ્યાણાર્થે તથા કુટુમ્બના કલ્યાણાર્થે સહભાગી થવા ઇચ્છતા હોય તે પરિવારોને યજમાન સ્વરૂપે આ કથામાં નિઃશુલ્ક પણે સહભાગી બનાવવામાં આવશે. જેમાં ભાગવત પોથીનું સ્થાપન, વ્રત-ઉપવાસની પુજા કથાના યજમાનોએ તેમના નિવાસ સ્થાનેથી જ કરવાની રહેશે. તેમજ સંસ્કાર ટીવી ચેનલ તથા યુ. ટયુબના માધ્યમથી ઓનલાઇન વિધિ તથા શ્રાવણ કરવાના રહેશે. વધુ માહિતી માટે વેબસાઇટ www.brahmvikas.org. ઉપર કરવા રાજુભાઇ વ્યાસ (મો. નં. ૯૮રપ૭ ૩૭૪૭૮) નો સંપર્ક કરવા જણાવાયું છે.

કોરોના મહામારીના કારણે કથા સ્થળે સીમિત સંખ્યામાં માત્ર નિમંત્રીત શ્રોતાઓને જ પ્રવેશ આપવામાં આવશે. કથાનું યુ. ટયુબ તથા સંસકાર ચેનલ ઉપરથી જીવંત પ્રસારણ કરવામાં આવશે. શ્રીમદ ભાગવત કથામાં તા. ૩-૩ના સવારે ૯-૩૦ વાગ્યે પોથી યાત્રા ૬-૩ ના સાંજે પ-૩૦ વાગ્યે કૃષ્ણ જન્મ, ૭-૩ના સાંજે ૬ વાગ્યે ગૌવર્ધન પુજા, ૮-૩ ના સાંજે પ-૩૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ, ધાર્મિક પ્રસંગો ઉજવવામાં આવશે.

મહામૃત્યુજંગ મંત્ર દશાંશ હોમ મહાયજ્ઞ : શિવ મહાત્ભ્ય કથા

તા. ૪-૩-ર૧ થી મહામૃત્યુંજય મંત્ર દશાંશ હોમ મહાયજ્ઞનો આરંભ થશે. પૂર્ણાહૂતિ તા. ૧ર-૩-ર૧ સાંજે ૬-૩૦ વાગ્યે થશે. આ સાથે ૧૦-૩-ર૧ થી તા. ૧ર-૩-ર૧ સુધી શિવ મહાત્ભ્ય કથા યોજાશે. વ્યાસાસને પૂ. દાદા શરદભાઇ વ્યાસ બિરાજી કથાનુ઼ રસપાન કરાવશે. મહાયજ્ઞના આચાર્ય પદ શાસ્ત્રી અનિરૂદ્ધ ઠાકર (ધારી) તથા સહ આચાર્ય પદે શાસ્ત્રી ગૌરાંગભાઇ વ્યાસ વિધિ કરાવશે. ઓનલાઇન આહુતિ દરરોજ સાંજે પાંચ વાગ્યે આપવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા બ્રહ્મ વિકાસ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ હર્ષદભાઇ વ્યાસ, મેનેજીંગ ટ્રસ્ટી જયવીનભાઇ દવે તથા તેમની ટીમના ધર્મપ્રેમી કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. ગઇકાલે રાત્રે આરામ હોટલમાં જામનગરમાં એક પ્રેસકોન્ફરન્સમાં આ અંગે ઉપરોકત માહિતી આપી હતી.

(12:49 pm IST)