Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

જેલની સુરક્ષાની પોલમપોલઃ ભુજની ખાસ જેલમાંથી એક સાથે ૬ મોબાઈલ મળ્‍યા

મોબાઈલ લોકેશન ટ્રેક કરી પોલીસ ગુનાઓ ઉકેલે છે, પણ, જેલમાંથી મળતા મોબાઈલમાં માત્ર કેદી ઉપર કેસઃ પણ આગળ પગેરું મળતું નથી?

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫: સરહદી કચ્‍છ જિલ્લાની ભુજ સ્‍થિત પાલારા જેલ સુરક્ષા અને કાયદો વ્‍યવસ્‍થાની દ્વષ્ટિએ ખાસ જેલનો દરજ્જો ધરાવે છે. પણ, ગઇકાલે એકાએક હાથ ધરાયેલ તપાસમાં પાલારા જેલમાંથી એક સામટા ૬ મોબાઈલ મળી આવતાં ચકચાર સાથે ચર્ચા સર્જાઈ છે. સામાન્‍ય રીતે જેલમાં પ્રવેશ કરતી વખતે મુલાકાતીઓ હોય કે પત્રકારો હોય તમામની અંગે જડતી લીધા બાદ મોબાઈલ પણ લઈ લેવામાં આવે છે. હવે, જો આવી કડક સુરક્ષા પછી જ જેલમાં પ્રવેશ મળતો હોય તે સંજોગોમાં એક સામટા ૬ મોબાઈલ ફોન સીમ સાથે મળી આવે એ શું સૂચવે છે? વળી, મોબાઈલ ફોન ચાર્જ કર્યા વગર તો ચાલતા નથી. આમ, ૬ મોબાઈલ ફોન મળી આવ્‍યાની ઘટનાએ જેલની સુરક્ષાની પોલ ખોલી નાખી છે. જોકે, જ્‍યારે જ્‍યારે જેલમાંથી મોબાઈલ મળે છે, ત્‍યારે કેદી ઉપર ફરિયાદ નોધાય છે, પણ સીમની તપાસ કરી મોબાઈલ ફોન આપનાર, વાત કરનાર સામે ફરિયાદ નોધી તેની તપાસ કરવા સુધી કાર્યવાહી કરવાની પદ્ધતિ ખૂબ જ લાપરવાહીથી કરાય છે. જો, ગુનાઓનો ટ્રેક રેકોર્ડ શોધવામાં ટેકનિકલ સર્વેલન્‍સ તરીકે મોબાઈલ ઉપયોગી થતો હોય તો જેલમાં મળતા મોબાઈલ પછી તપાસના મૂળ કેમ લંબાતા નથી? ભુજ પાલારા જેલમાં થી મળેલા સીમ કાર્ડ સાથેના ૬ મોબાઈલ ફોન અંગે અમદાવાદ જેલ અધિક્ષક દેવશીભાઇ કરંગિયાએ ભુજ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ લખાવી છે. જોઈએ હવે ગળહમંત્રી હર્ષ સંઘવીની મિટિંગ પછી જેલમાં પડેલા દરોડામાં મોબાઈલ ફોનની તપાસ કેટલી આગળ વધે છે?

(9:51 am IST)