Gujarati News

Gujarati News

News of Saturday, 25th March 2023

આટકોટ વિદ્યા વિહાર હાઈસ્‍કૂલને શ્રેષ્ઠ શાળા એવોર્ડ મળ્‍યો

આટકોટ : સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થી ઉત્‍કર્ષ માટે શ્રેષ્ઠ કામગીરી કરતી શાળાઓને પ્રોત્‍સાહિત કરવાનો ઉત્તમ પ્રયાસ થઇ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લા(ગ્રામ્‍ય)ની શ્રેષ્ઠ શાળા તરીકે વિદ્યા વિહાર હાઈસ્‍કૂલ-આટકોટની પસંદગી પ્રથમ ક્રમે થતા સમગ્ર શાળા પરિવાર હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. માત્ર નજીવા દરે વાર્ષિક ફી, શિક્ષણની સુવિધા પૂરી પાડતી આ સંસ્‍થામાં હજારો વિદ્યાર્થીઓનું ઘડતર થઇ રહ્યું છે. આ અગાઉ પણ આ શાળા આવું ગૌરવ પ્રાપ્ત કરી ચુકી છે. શ્રેષ્ઠ શાળાનું મૂલ્‍યાંકન કરવા માટે ડી.ઈ.ઓ, ડી.પી.ઈ.ઓ. ડાયેટના આચાર્ય, અન્‍ય ક્‍લાસ ટુ અધિકારીઓ, સંકુલના પ્રતિનિધિ તથા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાની ટીમ બનેલી હોય છે નિર્ધારિત ફોર્મેટના ચાર વિભાગો અંતર્ગત કુલ ૭૬ પ્રકારના માપદંડોનું મૂલ્‍યાંકન કરવામાં આવે છે. શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત થતા ટ્રસ્‍ટ શ્રી પટેલ સેવા સમાજ આટકોટ સમગ્ર ટ્રસ્‍ટી મંડળે અભિનંદન પાઠવ્‍યા હતા. શાળાના શિક્ષણ વિભાગનું સંચાલન કરતા કેમ્‍પસ ડાયરેક્‍ટર વી.આર.ગજેરા, પ્રમુખ બાબુભાઈ અસલાલીયા ,      મેને. ટ્રસ્‍ટી ડૉ.ભરતભાઈ બોઘરાએ આચાર્ય બાલધા નિતાબેન તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવ્‍યા હતા. આ સફળતા ઈશ્વર કળપા, મેનેજમેન્‍ટની હુંફ, શિક્ષકોની યથાર્થ અને અથાક મહેનત અને વાલી વિદ્યાર્થીઓના સહકારને કારણે જ પ્રાપ્ત થઇ શકે તેમ છે. તેમ ઇન. આચાર્ય બાલધા નિતાબેન અખબારી યાદીમાં જણાવે છે.(તસ્‍વીર-અહેવાલ : કરશન બામટા આટકોટ)

(10:28 am IST)