Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોળી સમાજનું સંગઠન વધુ મજબૂત બનાવવા ભાવનગરની મીટીંગમાં નિર્ધાર

ભાવનગરમાં સમસ્ત કોળી સમાજ દ્વારા ચિંતન બેઠક યોજાઇ : રાજ્યના વિવિધ જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત : પુરૂષોત્તમભાઇ સોલંકી ગેરહાજર : કોરોના કાળમાં બેરોજગાર થયેલાને મદદ કરાશે : વેકસીન લેવા માટે લોકોને વધુ જાગૃત કરાશે : રવિવારે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચીમાં કોળી સમાજનું સંમેલન મળશે

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૨૫ : ભાવનગરમાં સમસ્ત કોળીસમાજ દ્વારા ચિંતન બેઠક યોજાઈ હતી. જેમાં રાજયના વિવિધ જિલ્લામાંથી આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા જોકે રાજયના મંત્રી પુરૂષોત્તમભાઈ સોલંકી ગેરહાજર હતા.

સંમેલન અંગે ગીર સોમનાથ જિલ્લાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ અકિલાને જણાવ્યું હતું કે, આ સંમેલનમાં કોળી સમાજનું સંગઠન વધુ મજબુત બને તે માટે નિર્ધાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોરોના કાળમાં જે લોકો બેરોજગાર થયા છે તેઓને અને આર્થિક રીતે નબળા પરિવારોને મદદ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પછી તા. ૨૭મીએ ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે બપોરે ૩ વાગ્યે કોળી સમાજનું સંમેલન મળશે.

આ સંમેલનમાં કોળી સમાજના લોકો વધુને વધુ વેકસીન લે અને કોરોનામુકત થાય તે માટે જાગૃત કરવા અભિયાન હાથ ધરવા પણ નિર્ણય કરવામાં આવ્યો છે.

ભાવનગરમાં ઇસ્કોન કલબ ખાતે આજે વીર માંધાતા સંગઠન રાજુભાઈ સોલંકી દ્વારા સમસ્ત કોળીસમાજની બેઠક મળી હતી. જેમાં સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા ઉપસ્થિત રહ્યાં હતા જયારે દાહોદ, પંચમહાલ સહિત વિવિધ જિલ્લામાંથી કોળી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા બેઠકમાં સમાજમાં શૈક્ષણિક વિકાસ અંગે તેમજ રાજકીય સ્થિતિ મજબૂત કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

આ બેઠકમાં કોંગ્રેસ-ભાજપના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. જોકે પુરુષોતમભાઇ સોલંકી કે તેના પરિવારમાંથી કોઈ જ ઉપસ્થિત રહ્યાં નથી.

(3:11 pm IST)