Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

ઉમરાળા-૧, ઘોઘામાં પોણો ઇંચઃ સાર્વત્રિક વરસાદ ઝંખતુ સૌરાષ્ટ્ર-કચ્છ

ગઇકાલે રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ પંથકમાં વરસાદ વરસ્યોઃ સવારથી ધુપ-છાંવ યથાવત

રાજકોટ તા. રપ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવનો માહોલ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે હળવો - ભારે વરસાદ વરસી જાય છે. ગઇકાલે રાજકોટ, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પંથકમાં ઝાપટાથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો હતો.

ભાવનગર

(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર જીલ્લાનાં ઉમરાળામાં એક ઇંચ, ઘોઘામાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે પાલીતાણા, ભાવનગર શહેર, ગારીયાધાર અને સિહોરમાં છૂટો-છવાયો વરસાદ નોંધાયો છે.

ગોહીલવાડ પંથકમાં ગઇકાલે બપોરે વરસાદ પડયો હતો. ભાવનગર શહેરમાં વરસાદનું જોરદાર ઝાપટુ વરસી ગયું હતું. જયારે ઉમરાળા અને ઘોઘામાં ધોધમાર વરસાદ પડયો હતો.

ભાવનગર જીલ્લામાં છેલ્લા ર૪ કલાક દરમ્યાનમાં ઉમરાળામાં રપ મી. મી., ઘોઘામાં ૧૯ મી. મી., પાલીતાણામાં પ મી. મી., ભાવનગર શહેરમાં ૩ મી. મી., ગારીયાધારમાં ૪ મી. મી., અને સિહોરમાં ૮ મી. મી. વરસાદ નોંધાયો છે.

વિંછીયા

વિંછીયા : રાત્રીના ૮ વાગે સખ્ત ગરમી બાદ વરસાદી ઝાપટું વરસી જતા ગરમીમાં થોડી રાહત મળી છે.

અમરેલી જિલ્લામાં અચાનક હવામાન પલ્ટો થયો હતો. રાજૂલામાં બપોરના બે વાગ્યાની આસપાસ ધોધમાર અડધો ઇંચ વરસાદ પડતા શહેરના રાજમાર્ગો ઉપરથી પાણી વહેતા થઇ ગયા હતા જયારે સાવરકુંડલામાં ૪ વાગ્યાની આસપાસ મેઘરાજાની એન્ટ્રી થઇ હતી શહેર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદ પડયો હતો.

કાલાવડમાં પણ સાંજના ૪ વાગ્યા બાદ ધોધમાર વરસાદ ખાબતા ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા દિવસભરના ઉકળાટ બાદ વરસાદ પડતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો હતો શહેરમાં અડધો ઇંચ વરસાદ પડયો હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

જુનાગઢ શહેર અને તાલુકામાં પણ વ્હેલી સવારના ર મી. મી.નું ઝાંપટું વરસી જતા રસ્તા ઉપરથી વરસાદી પાણી વહેતા થયા હતાં.

રાજકોટ શહેર સહિત જિલ્લામાં પણ હળવા ભારે ઝાંપટા પડયા હતાં. કોટડાસાંગાણીમાં રાત્રીના ૮ વાગ્યે ૩ મી. મી.નું ઝાંપટું પડી ગયું હતું.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :  જીલ્લાના કાલાવડમાં કાલે ૯ મી. મી. વરસાદ પડયો હતો.

(11:44 am IST)