Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

'મારી નાખુ -કાપી નાખુ' ની બૂમો પાડતા પાડતા ખુલ્લી છરી લઇ સુરેન્દ્રનગર બસ સ્ટેશનમાં આવેલ શખ્સ ઝડપાયો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૫: સુરેન્દ્રનગર એસટી ડેપોની અંદર-બહાર આવારા તત્ત્વોના ત્રાસને દૂર કરવા બી-ડિવિઝન ટીમે કમર કસી હતી. પીએસઆઈએ સતત ૨ દિવસ સુધી આ સ્થળે લાલ આંખ કરતા આવા તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. ગેટ આગળ જ રાખતા ખાનગી વાહનચાલકો પણ રફૂચક્કર થઇ રહ્યા છે. જયારે રાજકોટ વિભાગીય નિયામકે એકાએક મુલાકાત લીધી હતી. મુલાકાતના કલાકોમાં જ ડેપોના ગેટ વચ્ચે ૪૨ વર્ષના અલ્તાફ મહમદભાઈ મેર નામના વ્યકિતએ હાથમાં ખુલ્લી છરી લઈને મારી નાખું, કાપી નાખુની બૂમો પાડતો હતો. પોલીસે આ શખસને બી-ડિવિઝન પોલીસ મથકે લઇ જઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

બીજી તરફ બંધ કરાયેલા ૪ રૂટની બસ ચાલુ કરવાની સૂચના આપતા બસો દોડતી કરાઇ હતી. ગુરૂવારે ઇન્ચાર્જ રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોત્રાએ એકાએક સુરેન્દ્રનગર ડેપોની મુલાકાત લેતા કર્મીઓમાં દોડધામ મચી હતી. વિભાગીય નિયામક તેમજ બી-ડિવિઝન પીએસઆઈ, એસટી ડેપોના સુપરવાઇઝર ટીમના પી.આર.રાણા, વિપુલભાઈ વ્યાસ વગેરે સાથેની બેઠક યોજાઇ હતી. ડેપોનો એકમાત્ર ગેટ બસોની આવ-જા માટે ચાલુ છે. આ ગેટ આગળ જ ખાનગી વાહનોના જમેલાના કારણે બસને અંદર-બહાર જવા માટે મુશ્કેલીઓ સાથે વારંવાર એસટી કર્મી અને ચાલકો સાથે ઘર્ષણ થતું હતું.

બંધ કરાયેલા ચાર જેટલા રૂટ ચાલુ કરવાની સૂચના અપાતા સવારની ૬.૪૫ કલાકની સુરેન્દ્રનગર-રાજકોટ, બપોરના ૧ કલાકની સુરેન્દ્રનગર-સોમનાથ, બપોરના ૧.૧૫ કલાકની અમદાવાદ-માંડવી , બપોરના ૩ કલાકની સુરેન્દ્રનગર-બહુચરાજી બસ દોડતી કરાઇ આ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ ચાલુ રહેશે. એસટી ડેપોના નો -પાર્કિંગ ઝોન સાથે ૨૦૦ મીટરના એરિયામાં જો કોઇ ખાનગી વાહન હશે તેની સામે જાહેરનામાના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવશે. તેમાંય આ તત્ત્વોને પકડવા વોચ પણ રાખવામાં આવશે. બી.બી.રાઠોડ, (પીએસઆઈ)એ જણાવ્યું હતંુ.

(11:48 am IST)