Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

૮૦ હજાર કિમીની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડી પધાર્યા

દેશનું દુર્ભાગ્ય છે કે અહીં મદિરાલય ખુલ્લા છે પણ દેવાલય બંધ છે : કમલમુનિ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : કાશ્મીરથી કન્યાકુમારી સુધી ૮૦ હજાર કિ.મી.ની પદયાત્રા કરી રાષ્ટ્ર સંત અને જૈન સાધુઓ લીંબડીના આંગણે ૨ દિવસ માટે પધાર્યાં છે. રાષ્ટ્રસંત અને જૈન સાધુઓ દ્વારા ગૌરક્ષા, વ્યસન મુકિત, પર્યાવરણ, સર્વ ધર્મ સમભાવ, અહિંસા અને રાષ્ટ્રીય એકતાના જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

દેશના ૧૮ રાજયોએ જેમને રાજકીય અતિથિ તરીકેનો દરજ્જો આપ્યો છે તેવાં રાષ્ટ્રસંત કમલમુનિ જૈન સાધુ સંતો સાથે લીંબડીના આંગણે પધારતાં ભકતોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. વિશ્વ શાંતિ, પ્રેમ અને સદભાવ માટે ૮૦ હજાર કિ.મી.ની પદયાત્રા ખેડનારા રાષ્ટ્રસંત કમલમુનિજીએ ઉધ્બોધનમાં સરકાર પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે દેશનું દુર્ભાગ્ય છે કે કોરોના કાળમાં અંહી મદિરાલય ખુલ્લા છે પણ દેવાલય બંધ છે. ધર્મ સ્થળે બેસી લોકોની ઈમ્યુનીટી પાવર મજબૂત બને છે તેને જ સરકારે બંધ કરી દીધાં છે.

વૃક્ષો કાપીને લોકોએ પોતાના વિનાશની નજીક પહોંચી રહ્યા છે. પ્રકૃતિ પરમાત્માનું બીજું રૂપ છે. પર્યાવરણની રક્ષા કરવી જોઈએ ધર્મની રક્ષા કરવા સમાન છે.રાષ્ટ્રસંતે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટીકના ઉપયોગ પર સરકાર પ્રતિબંધ લગાવે છે પરંતુ તેના ઉત્પાદન ઉપર બ્રેક કેમ નથી લગાવતી એના પરથી સરકારની મનચ્છા કેવી છે તે દેખાઈ જાય છે. રાષ્ટ્ર સંત કમલમુનિજી સાથે ઉત્ત્।મમુનિજી, તપસ્વી ઘનશ્યામમુનિ, પંડિત ગૌતમમુનિ, અરિહંતમુનિ, કૌશલમુનિ, કવિ અક્ષતમુનિ, ઉદયમુનિજીએ લીંબડીના પાંજરાપોળ અને જૈન દેરાસરની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રસંત શુક્રવારે મોટામંદિર, કબીર આશ્રમ, રામકૃષ્ણ મિશન સહિતના ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ ધર્મ અને સમાજ પ્રેમી જનતાને ધાર્મિક પ્રવચનો આપશે.

(11:49 am IST)