Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નકલી રેમડીસીવર ઇન્જેક્શન કેસમાં ઝડપાયેલ મોરબીના રાહુલ કોટેચાની જમીન કોર્ટે ફગાવ્યા

ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા પ્રથમ આરોપી મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા અરજી કરી હતી

મોરબી : કોરોના મહામારી ચરમસીમાએ હતી ત્યારે ગ્લુકોઝ અને મીઠાના મિશ્રણવાળા ડુપ્લીકેટ નકલી રેમડેસીવિર ઇન્જેક્શન વેચવાનો કાળો કારોબાર કરનાર ગેંગને ઝડપી લઈ મોરબી પોલીસે રાજ્યવ્યાપી કૌભાંડને ઝડપી પાડ્યું હતું. ત્યારે મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ આરોપીની જામીન અરજી નામદાર કોર્ટે ફગાવી દીધી છે.

કોરોના મહામારીની બીજી ઘાતક લહેર દરમિયાન સંજીવની સમાન રેમડેસીવિર ઈન્જેક્શનના નામે મીઠું અને ગ્લુકોઝના મિશ્રણવાળા નકલી રેમડેસીવિર ઇન્જેક્શન રૂપિયા છ-છ હાજરમાં વેચી જનઆરોગ્ય સાથે ચેડાં કરનાર મોરબીના રાહુલ અશ્વિનભાઇ કોટેચા (રહે.ધુનડા રોડ) ને પોલીસે ડમી ગ્રાહક મોકલી 41 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 1.80 લાખ સાથે ઝડપી લઈ રાજ્યવ્યાપી કૌભાંડ ખુલ્લું પાડી ડઝનથી વધુ આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા.

 આ ચકચારી કૌભાંડમાં ઝડપાયેલા પ્રથમ આરોપી એવા મોરબીના રાહુલ કોટેચાએ જામીન ઉપર છૂટવા નામદાર અદાલત સમક્ષ અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ અદાલત સમક્ષ ધારદાર દલીલો કરી આરોગ્ય સાથે ચેડાં કરનાર આરોપીને જામીન નહીં મંજુર કરવા જણાવતા નામદાર અદાલત દ્વારા આરોપીની જામીન અરજી મંજુર કરવામાં આવી ન હતી.

(8:34 pm IST)