Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

બોટાદ નજીક યુવક પર અજાણ્યા શખ્સોનું ફાયરિંગ

એક ગોળી આંગળી ચીરી પેટમાં ઘૂસી ગઈ : સારવાર પહેલાં યુવકે જાતેજ આપવીતિ વર્ણવતો વીડિયો વાયરલ, ઈજાગ્રસ્ત યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ

બોટાદ,તા.૨૫ : રાજ્યના બોટાદ જિલ્લામાં ફાયરિંગની હચમાચાવી નાખે એવી વારદાત સામે આવી છે. અહીંયા તુરખા ગામે મોડી રાત્રે એક યુવક પર અજાણ્યા શખ્સોએ ગોળીઓ છોડતા તે ગંભીર રીતે જખ્મી થયો છે. જોકે, યુવકે બચાવમાં હાથ આડો કરતા એક ગોળી તેની આંગળી ચીરીને પેટમાં ઘુસી ગઈ હતી. જખ્મી યુવકને સારવાર માટે લઈ જવામાં આવ્યો તે પહેલાં તેણે પોતાની જાતે આપવિતી સંભળાવી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. પ્રાપ્ત અહેવાલો મુજબ ગઈકાલે રાતે બોટાદના તુરખા ગામે યુવક પર ફાયરિંગનો બનાવ સામે આવતા પોલીસ દોડતી થઈ હતી.

ગંભીર રીતે ઘવાયેલા યુવકનો ઘટનાસ્થળેથી વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં યુવકે તેના પર ત્રણ શખ્સોએ ફાયરિંગ કર્યુ હોવાનું જણાવ્યું હતું. જોકે, તેને ઈજાઓ ગંભીર હોવા છતાં ઘટના બાદ તેનો જીવ બચી જતા સમગ્ર હકિકત પ્રકાશમાં આવી હતી. આ યુવક તેના ઘર બહાર ઉભો હતો ત્યારે ત્રણ શખ્સો આવ્યા હતા અને તેના પર ગોળીઓ છોડી હતી. યુવકે જણાવ્યું કે તેની સાથે આ શખ્સોનો બે દિવસે પહેલાં બોલાચાલીનો ઝઘડો થયો હતો અને તેની દાઝમાં ફાયરિંગ કરી નાખ્યું હતું. જોકે, યુવકને પગમાં પણ ગોળી વાગી હોવાનુ વીડિયો પરથી જાણવા મળતું હતું.

આ ગોળીઓ વાગતા યુવકને પહેલાં બોટાદ, બાદમાં ભાવનગર ખસેડાયો હતો. જોકે, તાજા સમાચાર મુજબ ઘાયલ યુવકને ભાવનગરથી અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે યુવકનું નિવેદન નોંધ્યું છે પરંતુ હજુ સુધી આ અંગે ગુનો નોંધાયો હોવાનું જાણવા મળી શક્યું નથી ત્યારે પોલીસની ફરિયાદ બાદ જ સમગ્ર કેસની વિગતો સામે આવી શકે છે પરંતુ આ ફાયરિંગની ઘટનાના પગલે બોટાદના તુરખા ગામે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. ગામના લોકોમાં ઘટનાના કારણે ડરનો માહલો છવાયો હતો.

(9:17 pm IST)