Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કચ્છમાં ૧૭૮૪૬૧ મે. ટન ખારેકનું ઉત્પાદનઃ ૧૦૦ ખેડૂતોને ૧.૪૨ કરોડની સહાય ચૂકવાઈ

કચ્છની હરિયાળી શોભા ગણાતું ખારેકનું કાયમી લીલું વૃક્ષ અને તેનું ફળ પોષકતત્વો, ઉપયોગીતા અને રોજગારી માટે કામધેનુ સમાન છે. પીળા કે લાલ રંગમાં જોવા મળતી લીલી ખારેક કચ્છ, મુંબઇ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર દેશ અને નાના મોટા શહેરોમાં હોંશથી ખવાય છે. વિશ્વમાં ૪૦ જેટલી ખારેકની વિવિધ વિવિધ જાત થાય છે જે પૈકી કચ્છમાં દેશી ઉપરાંત ઈઝરાયેલની બારહી, હલાવી, ખદરાવી, સામરાન, ઝાહીદી, મેજુલ અને ખલાલ એ ગુણવત્તા અને આવકની દષ્ટિએ ઉત્તમ જાત જણાય છે. દુનિયામાં સારામાં સારી ખારેક બારહી ખારેક ગણાય છે. કચ્છમાં છેલ્લાં ૫-૭ વર્ષમાં આ જાતના ટીસ્યુ કલ્ચરથી તૈયાર કરવામાં આવેલ રોપાઓનું મોટાપાયે વાવેતર કરવામાં આવે છે. કચ્છમાં બીજ દ્વારા ખારેકનું વાવેતર થયેલ હોવાથી દરેક ઝાડની આગવી લાક્ષણિકતા છે. ખારેક સંશોધન કેન્દ્ર, સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી મુન્દ્રાએ સર્વે કરી ઉત્તમ ગુણવત્તાવાળા ૨૨૫ ઝાડ પસંદ કરેલાં. જે મીઠાશ, કદ અને ઉત્પાદનમાં અન્યની તુલનાએ ઉચ્ચ છે. જિલ્લાના નાયબ બાગાયત અધિકારી એમ.એસ.પરસાણીયા જણાવે છે કે, કચ્છી ખારેકથી રોજગારીની ઉજળી તકો છે.

બાગાયત ખાતા તરફથી ટીસ્યુ કલ્ચર ખારેક માટે વર્ષ ૨૦૨૦-૨૧માં ૧૦૦ ખેડૂતોને ૮૪-૬૨ હેકટર વાવેતર માટે રૂ.૧.૪૨ કરોડ સહાય ચૂકવવામાં આવી છે જ્યારે ૧૮૮૨૫ હેકટર વિસ્તારમાં ૧૭૮૪૬૧ મેટ્રીક ટન ખારેકનું ઉત્પાદન થયું છે. જિલ્લામાં મુન્દ્રા, અંજાર, ભુજ અને માંડવી જેવા તાલુકામાં મબલખ પાક થાય છે. ખારેકની ખેતી માટે અહીંના ખેડૂતો બાગાયત ખાતા દ્વારા અપાતી ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીની ધારાધોરણ પ્રમાણની સબસીડી મેળવીને સારા ગુણવત્તાવાળી ખારેક ઉત્પાદન કરી રહ્યાં છે. કચ્છમાં ખારેકના કોર્મશિયલ ફાર્મીંગ પણ થાય છે. જયાં મોટા પ્રમાણમાં આધુનિક ટેકનોલોજી સાથે ખારેકનું ઉત્પાદન, શોર્ટિંગ, ગ્રેડીંગ અને પેકીંગ કરવામાં આવે છે. બાગાયત ખાતા તરફથી ટીસ્યુ કલ્ચર ખારેકના પ્લાન્ટીંગ મટીરીયલ માટે પ્રતિ હેકટર યુનિટ કોસ્ટ રૂ.૩,૧૨,૫૦૦ પ્રતિ હેક્ટર દીઠ સહાયઃ ખર્ચના ૫૦ ટકા અથવા મહત્તમ ૧૨૫૦ પ્રતિ રોપા, બેમાંથી જે ઓછું હોય તે પરંતુ મહત્તમ રૂ.૧,૫૬,૨૫૦ પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય, ખેતી ખર્ચ માટે સહાય. યુનિટ કોસ્ટ રૂ.૪૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય ખર્ચના ૫૦ ટકા મુજબ મહત્તમ રૂ.૨૦,૦૦૦/- પ્રતિ હેકટરની મર્યાદામાં સહાય જેમાં પ્રથમ વર્ષે મળવાપાત્ર રકમના ૬૦ ટકા સહાય તેમજ બીજા વર્ષો જો ૭૫ ટકા રોપા જીવંત હોય તો જ બાકીના ૪૦ ટકા સહાય મળવાપાત્ર રહેશે. ખાતા દીઠ મહત્તમ ૧ હેકટરની મર્યાદામાં આજીવન એક જ વાર. આ માટે ટીસ્યુકલ્ચર પ્લાન્ટીંગ મટીરીયલ (રોપા) માટે ડીબીટી દ્વારા માન્ય/એક્રેડીએશન થયેલ ટીસ્યુ લેબ તથા GNFC, GSFC કૃષિ યુનિ.ની ટીસ્યુ લેબ જેવી સરકારી જાહેર સંસ્થા પાસેથી ખરીદ કરવાનું રહેશે. ઉપરાંત મહત્તમ રૂ.૧૨૫૦ની  મર્યાદામાં સહાય આપવામાં આવે છે.

(9:34 pm IST)