Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

મોરબીના માધાપરમાં શાકમાર્કેટ પાસે કચરાના ગંજ ખડકાયા : રોગચાળાની દહેશત.

અંબિકા રોડ ઉપર પ્રિમોન્સૂન કામગીરી કર્યા બાદ કચરો ન ઉપાડવામાં આવતા સ્થાનિકોમાં રોષ.

મોરબીના માધાપર શાક માર્કેટ પાસે અંબિકા રોડ ઉપર પ્રિમોન્સૂન કામગીરી બાદ કચરાના ગંજ ખડકી કોન્ટ્રાકટરે ચાલતી પકડી લેતા રોડ આખો કચરાથી ઢંકાઈ ગયો છે અને ભારે દુર્ગધ ફેલાવાથી સ્થાનિકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે.
મોરબીના માધાપર શાક માર્કેટ પાસે અંબિકા રોડ ઉપર રહેતા લોકોના જણાવ્યા મુજબ ઘણા સમયથી માધાપર શાક માર્કેટ પાસે પ્રિમોન્સૂન કામગીરી બાદ અંબિકા રોડ ઉપર કચરાના ગંજ ખડકાયા છે. લોકોના ઘરની સામે જ કચરો પડ્યો છે. જો કે અગાઉ તંત્રના માણસો કચરો ઉપાડવા આવતા હતા અને હમણાંથી કચરો કોઈ ઉપાડવા આવતું ન હોવાથી કચરાનું કદ વધ્યું છે. તેમાંય માધાપર પાસે શાકમાર્કેટ ભરાતી હોય અને અહીં સડેલા શાકભાજી ફેંકવામાં આવતા હોવાથી ભારે ગંદકી ફેલાઈ છે.
નગરપાલિકા અને કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે અહીં કચરાની સમસ્યાની વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. લોકોના ઘરની સામે જ ભયાનક ગંદકી ફેલાવતો કચરો પડ્યો હોવાથી રોગચાળો ફેલાવવાની ભીતિ સેવાઈ રહી છે.
વધુમાં લોકોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે આ કચરાની એવી ભયાનક દુર્ગંધ ફેલાઈ છે કે ઘરમાં રહી ન શકાય તેવી પરિસ્થિતિ ઉભી થઇ છે. જો કે તંત્રને રજુઆત કરીએ તો ટ્રેકટર નથી એવું બહાનું કરીને આ સમસ્યા હલ કરવાની જરાય તસ્દી લેવાતી નથી. ઉપરથી હાલ ચોમાસું શરૂ થઈ ગયું હોય હવે વરસાદના પાણી આ કચરામાં પડશે અને ફેલાશે તો પરિસ્થિતિ કાબુ બહાર જતી રહેશે તેથી વહેલાસર તંત્ર પગલાં ભરે તેવી લોકોએ માંગ કરી છે.

(9:30 am IST)