Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પોરબંદરના સુપ્રસિધ્‍ધ સુદામા મંદિરમાં યાત્રિકો માટે બેઠક વ્‍યવસ્‍થા નથી : સફાઇ થતી નથી : ઝાડી ઝાંખરા અને જીવજંતુઓ

પોરબંદર, તા. ૨૫ : સુપ્રસિધ્‍ધ સુદામા મંદિર પાયાની સુવિધાઓથી પણ વંચિત છે. મંદિરમાં પ્રવાસીઓ માટે બેઠક વ્‍યવસ્‍થાનો અભાવ છે. મંદિરમાં ઝાડી-ઝાખરાનું સામ્રાજ્‍ય વધતા જીવજંતુનો ઉપદ્રવ વધ્‍યો છે.શૌચાલયોના પાણી બહાર નીકળતા હોવાથી મંદિર આસપાસ ગંદકી ખદબદી રહી છે. તેથી કૉંગ્રેસે તંત્રને ઉગ્ર રજૂઆત કરી છે.

પ્રદેશ કોગ્રેસના પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના સીનીયર આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ તંત્રને કરેલી રજૂઆતમાં જણાવ્‍યું છે કે, દરરોજ હજારો યાત્રાળુઓ સુઘમા મંદિર, કીર્તિ મંદિર, કસ્‍તુરબાના પિયરના ઘર, તારા મંદિર, ભારત મંદિર, સાંદિપની શ્રીહરી મંદિર, પોરાઈ માતાજીનું મંદિર, હજુર પેલેસ, હવા મહેલ, રાણા સરતાનજીનો ચોરો, ઉપરાંત ૧૦૦ થી વધુ શિવાલયો આવેલા છે. જેમાંથી મોટા ભાગના મંદિરો રાજાશાહી જમાનાના છે. આ પ્રકારના યાત્રાધામોની મુલાકાત આવે છે.તેમાં ભારતભરમાં એક પોરબંદર ખાતે જ સુદયમા મંદિર આવેલું છે.મોટી સંખ્‍યામાં યાત્રાળુઓ સુદામાજીના દર્શનાર્થે આવે છે પરંતુ દર્શન અર્થે આવતા યાત્રાળુઓને પાયાની સુવિધ પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવી નથી. દ્વારકા - સોમનાથની વચ્‍ચે પોરબંદર આવે છે. ત્‍યારે બંને યાત્રાધામોની મુલાકાતે જતા પ્રવાસીઓ અચુક પણે પોરબંદર આવે છે. પણ એ બંને યાત્રાધામોની સરખામણીમાં ૫૦ % સુવિધાઓ પણ પોરબંદરને ઉપલબ્‍ધ નથી. તેથી સરકારે અમારી આ રજૂઆતને ગંભીરતાથી લેવી જોઈએ.

યાત્રાધામ સુદામાપુરી આવતા પ્રવાસીઓ માટે ધર્મશાળાની વ્‍યવસ્‍થા પણ નથી.બહારથી આવતા પ્રવાસીઓ અહીંયા રાતવાસો કરી શકે અથવા ભોજન સહિત આરામ કરી શકે તેવા ઉતારાની કોઇ જ વ્‍યવસ્‍થા નથી. અન્‍ય રાજ્‍યમાંથી આવતા યાત્રાળુઓ આ બાબતે ખૂબ હેરાન પરેશાન થાય છે. સુદામા મંદીરમાં માહિતી આપવા માટે ગાઇડની સુવિધા નથી. તેથી યાત્રાળુઓ આ યાત્રાધામ વિશેની મહત્‍વની માહિતીથી વંચિત રહી જાય છે. તેમ રજૂઆતમાં જણાવેલ છે.

(11:16 am IST)