Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ગારીયાધારમાં પડોશી પિતા-પુત્રના ઝઘડામાં વચ્‍ચે પડતાં હીરાઘસુ વિજય વણઝારાની છરીના ઘા ઝીંકી હત્‍યા

પડોશી પ્રદિપ તેના પિતા મોહનભાઇ સાથે ડખ્‍ખો કરતો'તોઃ વિજય બચાવવા જતાં તેને ઘા ઝીંકી દીધાઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૨૫: ભાવનગરના ગારીયાધારમાં પડોશમાં રહેતો શખ્‍સ નશો કરેલી હાલતમાં પોતાના પિતા સાથે ઝઘડો કરતો હોઇ બંનેને સમજાવવા ગયેલા પડોશી વણકર યુવાનને છરીના બે ઘા ઝીંકી દેવામાં આવતાં તેનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતાં બનાવ હત્‍યામાં પરિણમ્‍યો હતો.

જાણવા મળ્‍યા મુજબ ગારીયાધારમાં આશ્રમ રોડ પર રહેતાં વિજય સુરેશભાઇ વણઝારા (ઉ.વ.૨૩) નામના વણકર યુવાનને ગઇકાલે સવારે આઠેક વાગ્‍યે તેના ઘર પાસે જ રહેતાં પ્રદિપ મોહનભાઇ જામલીયાએ છરીના બે ઘા ઝીંકી દેતાં સારવાર માટે ગારીયાધારની બે અલગ અલગ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી અમરેલી લઇ જવાયા બાદ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ ગારીયાધાર પોલીસને જાણ કરી હતી. હત્‍યાનો ભોગ બનનાર વિજય બે ભાઇ અને એક બહેનમાં મોટો તથા કુંવારો હતો. તેના ભાઇનું નામ હિતેષ અને બહેનનું નામ રાધીકા છે. વિજય હીરા ઘસવાનું કામ કરતો હતો. પિતા સુરેશભાઇ નારણભાઇ વાઢેર સેન્‍ટીંગ કામ કરે છે. માતાનું નામ લક્ષ્મીબેન છે. વિજયના સગાએ જણાવ્‍યું હતું કે પડોશમાં પ્રદિપ નશો કરેલી હાલતમાં પોતાના પિતા મોહનભાઇ જામલીયા સાથે ઝઘડો કરી મારકુટ કરતો હોઇ દેકારો સાંભળી વિજય આ બંનેને છોડાવવા ગયો હતો. ત્‍યારે પ્રદિપે ઉશ્‍કેરાઇ જઇ છરીના બે ઘા વિજયને મારી દીધા હતાં જે જીવલેણ નીવડયા હતાં. ગારીયાધાર પોલીસે આરોપી પ્રદિપને સકંજામાં લેવા તજવીજ કરી હતી. યુવાન દિકરાની હત્‍યાથી પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. 

(11:56 am IST)