Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

ઝાલાવાડમાં ૨૪ દિ'માં ૧૭ લોકોને કોરોના

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૨૫ : વઢવાણ શહેરી વિસ્‍તારમાં શુક્રવારે એક જ દિવસમાં ૬ લોકો કોરોનાસંક્રમિત હોવાનું બહાર આવતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. વઢવાણ પંથકમાં વધતા કોરોના કેસ પણ લોકો માટે લાલબત્તી સમાન બની રહ્યા છે. કારણ કે જિલ્લામાં છેલ્લા ૨૪ દિવસોમાં જ ૧૭ લોકો કોરો પોઝિટીવ આવ્‍યા હતા.

આરોગ્‍ય તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે. કારણે જિલ્લામાં ૮૭ દિવસો બાદ ૯ જૂન-૨૦૨૨થી કોરોના કેસોએ દેખા દીધી હતી. તા. ૨૪ જૂન સુધીમાં ૧૭ કેસો નોંધાવાની સામે ૩ લોકો સાજા થયા હતા. તેમાંય વઢવાણ પંથકમાં કુલ કોરોના આંક ૧૧ પર પહોંચી ગયો હતો. આથી આ પંથકમાં વધતા કોરોના કેસ પણ લોકો માટે લાલબત્તી સમાન બની રહ્યા છે. જયારે શુક્રવારે એક દર્દી કોરોના મુક્‍ત થયો હતો. જિલ્લામાં વઢવાણમાં-૯, થાનમાં-૪ અને લીંબડીમાં-૧ સહિત કુલ ૧૪ એક્‍ટિવ કેસ રહ્યા હતા.

જયારે સુરેન્‍દ્રનગર જિલ્લામાં શુક્રવારે ૩૩૧ લોકોએ રસી લીધી આથી રસીકરણનો કુલ આંક ૩૦,૪૬,૧૦૫ પર પહોંચી ગયો હતો. અત્‍યાર સુધીમાં ૧૪,૬૨,૬૩૭, લોકોએ પ્રથમ તેમજ ૧૫,૪૨,૬૯૪ લોકોએ બીજો ડોઝ લીધો હતો. જયારે ૪૦,૭૭૪ લોકોએ બુસ્‍ટર ડોઝ મૂકાવ્‍યો હતો. અત્‍યાર સુધીમાં ૧૬,૦૮,૨૪૬ પુરૂષો તેમજ ૧૩,૯૬,૫૬૫ મહિલાઓનું રસીકરણ થયુ હતુ.

(12:37 pm IST)