Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

વિજકાપના કારણે આમરણ ચોવીસી પંથકમાં પાક નિષ્‍ફળની ભીતિ

આગોતરા કરેલા વાવેતરને પાણી નહી આપી શકવાથી બિયારણ અને ખેડૂતોની મહેનત એળે જવાનો ભય

(મહેશ પંડયા દ્વારા) આમરણ તા. રપ :.. આમરણ ચોવીસી પંથકમાં કૃષિક્ષેત્રમાં અપુરતી વીજળીને કારણે ડેમી નદી કાંઠાળ ગામોના ખેડૂતોએ કપાસ અને મગફળીના આગોતરા કરેલા વાવેતરને પાણ નહીં આપી શકવાને કારણે બિયારણ અને મહેનત એળે જવાનો ભય સેવાઇ રહ્યો છે. ખેડૂત આગેવાનોએ પીજીવીસીએલના ઉચ્‍ચ અધિકારીઓને પત્ર પાઠવી વીજ ધાંધીયા દૂર કરી સમસ્‍યા હલ કરવા માંગણી કરી છે.

કિસાન અગ્રણીઓએ રજૂઆત કરતા જણાવ્‍યું   છે કે, આમરણ ચોવીસી પંથકના ડેમી નદી કાંઠાળ ગામોના ખેડૂતો દ્વારા ચોમાસાના પ્રથમ વરસાદ અગાઉનું કપાસ અને મગફળીનું આગોતરૂં વાવેતર કરેલું છે. હાલ નદીના પટ વિસ્‍તારમાં ગત વર્ષનું પાણી ભરેલું છે પરંતુ આઠ કલાક નિયમિત વીજ પુરવઠો મળવાને બદલે કટકે કટકે ચાર કલાક જેટલો વીજ પુરવઠો મળતી હોવાને કારણે જરૂરીયાતના પાણીના અભાવે બિયારણ અને રાત-દિવસના કરેલા ઉજાગરા સાથેની મહેનત એળે જવાનો ભય ઊભો થયો છે.

એકધારો નિયમિત વીજ પુરવઠો મળવાને બદલે ગમે ત્‍યારે વીજ પુરવઠો આવ-જા કરતો હોવાથી મોંઘી દાડી ચુકવી રાખેલા ખેતમજૂરોને પણ અપૂરતા કામ સાથે વેતન ચુકવવાની લાચારી અને મજબૂરી ખેડૂતો અનુભવી રહ્યા છે. તાકીદે નિયમિત અને સતત વીજ પુરવઠો આપવા માગણી કરવામાં આવી છે.

ઉપરોકત બાબતે આમરણ ખાતેની પીજીવીસીએલ સબ ડીવીઝન કચેરીના ડેપ્‍યુટી એન્‍જિ. ત્રાંબડીયાની સંપર્ક સાધતા તેઓએ જણાવ્‍યું હતું કે, કૃષિક્ષેત્રે હાલ નિયમિત નિર્ધારીત વીજ પુરવઠો આપવામાં આવી રહ્યો છે. જામદૂધઇ ખાતેના વીજ સબ સ્‍ટેશન હેઠળના ૩૪ ગામોની ર૧પ કિ. મી. જેટલી લાઇન લેન્‍થને કારણે ફોલ્‍ટ સર્જાતા કયારેક વીજ વિતરણ ખોરવાઇ જવાની સમસ્‍યા ઉભી થાય છે. જેનું તાકીદે નિરાકરણ કરવા ટીમ વર્ક કરવામાં આવે છે. આમરણ તેમજ કોયલી ગામે નવા બે ૬૬ કે. વી. સ્‍ટેશન સ્‍થાપવાની ઘણા સમય થયા મંજૂરી મળી ગઇ છે. જે તે ગ્રા. પં. દ્વારા જેટકો કંપનીની પસંદગીની જમીન ફાળવણી અંગેની કાર્યવાહી ચાલી રહી છે. નજીકના ભવિષ્‍યમાં નવા બે સબ સ્‍ટેશન કાર્યરત થતાં વીજ સમસ્‍યા દૂર થઇ જવાની અપેક્ષા છે.

ઉપરોકત પ્રશ્ને ખેડૂતો અનિયમિત અને અપુરતા વીજ પુરવઠાની ફરીયાદ કરી રહ્યા છે બીજી તરફ તંત્ર નિયમિત અને સતત વીજ પુરવઠો અપાઇ રહ્યાનો દાવો કરી રહ્યું છે. જેટકો કાું. ની ઢીલી નીતિને કારણે આમરણ અને કોયલી ગામે નવા બે ૬૬ કે. વી. સબ સ્‍ટેશન કયારે કાર્યરત થશે તે નકકી નથી હાલ કૃષિક્ષેત્રે તેમજ ગામોમાં દિવસ-રાત અવારનવાર કલાકો સુધી ખોરવાતા વીજ પુરવઠાનો કારણે લોકો કાળઝાળ ગરમી અને બફારામાં ત્રાહીમામ પોકારી ઉઠે છે.

(12:46 pm IST)