Gujarati News

Gujarati News

News of Saturday, 25th June 2022

પહેલા વરસાદમાં જ લાતીપ્લોટની પથારી ફરી, ભયંકર કાદવ-કીચડ

લાતીપ્લોટ-7માં ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખ્યા બાદ કામ અધૂરું મૂકી દેતા વરસાદને કારણે ગારા-કીચડ : અવરજવર ન થઈ શકતા નાના ઉધોગો બંધ રાખવા પડે તેવી નોબત

મોરબી : મોરબી નગરપાલિકાનો કમાઉ દીકરો ગણાતો લાતીપ્લોટ વિસ્તાર ફરી એક વખત સામાન્ય વરસાદથી બેહાલ થઈ ગયો છે. ખાસ કરીને લાતીપ્લોટમાં ભૂગર્ભ ગટરની પાઇપલાઈન નાખ્યા બાદ આડધેથી કામ પડતું મૂકી દેતા અને હવે વરસાદ પડવાથી રોડ ઉપર ખાડામાં ફિટ કરેલી પાઇપલાઇન ઉપર માત્ર માટી નાખી હોય એ માટી હવે ભંયકર કાદવ કીચડ બની ગઈ છે. શેરીઓમાં ગારા કિચડના ફૂટ ફૂટના થર જામતા લઘુ ઉધોગકારો કે શ્રમિકો સામાન હેરફેર ન કરી શકે તેવી કપરી પરિસ્થિતિ સર્જાઈ છે અને ગારા-કીચડને કારણે અવરજવર ન થઈ શકતા નાના ઉધોગોને બંધ રાખવા પડે તેવી નોબત આવી છે.

લાતીપ્લોટ ઘડિયાળ, મોલ્ડીંગ, લેથ સહિતના નાના એટલે લઘુ ઉધોગ ધરાવતા લોકોએ તંત્ર સમક્ષ બળાપો ઠાલવ્યો હતો કે, નેતાઓ કે તંત્ર હમેશા લાતીપ્લોટની વાત આવે એટલે એની પરિસ્થિતિ દૂર કરવા પ્રયાસો ચાલુ અને કામો મંજૂર થયા એવા બધા નાટકવેડા વર્ષોથી ભજવાયા કરે છે. દરેક વખતે સામાન્ય વરસાદ પડે એટલે લાતીપ્લોટની માઠી થઈ જાય છે. પણ આ વખતે થોડો જુદો પ્રશ્ન છે. જેમાં લાતીપ્લોટ વિસ્તારમાં ભુર્ગભ ગટર લાઈન નાખવાની યોજના સાકાર થતા તંત્ર દ્વારા કોન્ટ્રાકટ પદ્ધતિથી લાતીપ્લોટની શેરીઓમાં રસ્તાના ખાડા ખોદી ભૂગર્ભની પાઇપલાઇન બિછાવવામાં આવી છે. હવે સમસ્યા એ છે કે શ્રમિકોએ માત્ર પાઇપલાઇન નાખી છે અને ખાડાની અંદર પાઇપલાઇન બિછાવી ઉપર ફક્ત માટી જ નાખી દીધી છે. કોઈ જાતની સમથળ કે લેવલિંગ કર્યા વગર આવી અણઘડ કામગીરી કરી નાખતા હવે વરસાદમાં ખરાબ દુર્દશા થઈ ગઈ છે.

વધુમાં લઘુ ઉધોગકારોએ જણાવ્યું હતું કે, લાતીપ્લોટ શેરી-7 સહિતના વિસ્તારોની ખૂબ જ ખરાબ હાલત છે. આ શેરીમાં પાઇપ નાખી માથે માટી નાખી ત્યાંજ ગઈકાલે વરસાદ આવ્યો એટલે આ કામ મુકાઈ ગયું હતું.હવે સમસ્યાએ છે. પાણી તો ઓસરી ગયા છે. પણ પાઇપલાઇન માથેની માટી ચીકણી હોવાથી આ આખી શેરી ગાર કિચડથી લથબથ થઈ ગઈ છે. કીચડ એટલું બધું ભયાનક છે કે આ શેરીમાં રહેલા લઘુ ઉધોગોમાં મજૂરો રેકડી કે સાધનથી મોડલ્ડીંગ મશીન જેવા સાધનોની હેરફેર પણ કરી શકતા નથી અને ઉધોગકારો પ પોતાના કારખાનામાં જી શકતા નથી. એટલે કારખાના બંધ કરવાની ભીતિ સેવાઈ રહી છે.

બીજી તરફ માત્ર ભૂગર્ભની પાઇપલાઈન જ નાખી છે એ પણ કેટકે કટકે નાખ્યા છે. એજબીજ સાથે જોડાણ જ નથી. તેમજ મેઈન લાઈન સાથે કનેક્શન આપ્યું ન હોય ગઈકાલના વરસાદથી પાઈપમાં પાણી અને કિચડનો ભરાવો થયો છે. હવે નવેસરથી કાર્યવાહી કરવી પડશે. જો ચોક્સાઈ રાખીને કુનેહથી કામ લીધું હોત તો આવી પરિસ્થિતિ ઉભી ન થાત તેવી ઉધોગકારોએ વસવસો વ્યક્ત કર્યો છે.

(1:01 am IST)