Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

કોરોનાનો કાતિલ પંજો

કચ્છમાં વધુ બે મોત-૩૩ કેસ : ભાવનગરમાં ૩૮ કેસ

કાલાવાડના માજી ધારાસભ્યઃ મેઘજીભાઇ ચાવડાને પોઝીટીવ આવ્યો : જામનગર જી.જી. હોસ્પિટલમાં સારવાર તળે

રાજકોટ,તા. ૨૫: સૌરાષ્ટ્ર-કચ્છમાં કોરોનાએ કાતિલ પંજો ફેરવ્યો છે. અને સંક્રમણ પણ વધી રહ્યું છે ત્યારે કચ્છમાં વધુ બે ના મોત થયા છે. અને કાલાવડના માજી ધારાસભ્યને પોઝીટીવ આવતા જામનગર સારવારમાં રખાયા છે.

કચ્છમાં એકિટવ કેસ ૩૮૨

ભૂજના પ્રતિનિધિના અહેવાલ મુજબ  કચ્છમાં કોરોનાનો પંજો હવે કાતિલ બની રહ્યો છે. વધુ ૨ મોત અને નવા ૩૩ કેસ સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં કોરોનાનું ચિત્ર બિહામણું બની રહ્યુ છે. બીજી બાજુ કોરોનાની વાસ્તવિક સ્થિતિ છુપાવવા આંકડાઓનો ખેલ કરાઈ રહ્યો છે. ખુદ કચ્છ જિલ્લાના વહિવટીતંત્રના આંકડાઓ જ જોઈએ તો કુલ કેસ ૧૯૪૧ થયા છે. જયારે સાજા થયેલા દર્દીઓ ૧૪૫૫ છે. અત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા ૩૮૨ છે. એક દિ'માં કોરોનાએ લીધેલા ભોગમાં વધુ ૨ મોત થયા છે, તે સાથે સરકારી ચોપડે ૬૪ મોત થયા છે. હવે સાજા થયેલા દર્દીઓ અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા કુલ દર્દીઓની સંખ્યામાથી બાદ કરીએ તો ૪૦ દર્દીઓની ઘટ આવે છે. એટલે બિન સત્ત્।ાવાર મોતનો આંકડો ૧૦૪ હોય એવી આશંકા છે. દરમ્યાન કોરોના બેકાબૂ થયા બાદ હવે ભુજની સરકારી જીકે જનરલ હોસ્પિટલમા તંત્ર દ્વારા ફ્લુ તાવના દર્દીઓ માટેની ઓપીડી હોસ્પિટલ શરૂ કરાઈ છે.

જામનગર

જામનગરના પ્રતિનિધિના જણાવ્યા મુજબ કાલાવડના પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાનો રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો શરીરમાં થોડી તકલીફ જાણાતાકોરોનાં ટેસ્ટ કરાવ્યો જે પોઝિટિવ આવેલ. તેઓએ જણાવેલ છે કે, હું સર્વે મારા લોકો જે છેલ્લા અઠવાડિયાથી મારા સંપર્કમાં આવેલ હોય તેમને સાવચેત રેવા અને કોઈ પણ તકલીફ જણાય તો ટેસ્ટ કરવા મારી વિનંતી છે. હાલ જામનગર જી.જી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા  છે. અને તેમની તબિયત એકદમ સારી છે.

ભાવનગરમાં ૩૭૬ સારવાર હેઠળ

ભાવનગર જિલ્લામા વધુ ૩૮ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૩,૯૪૬ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જયારે તાલુકાઓમા ઘોઘા તાલુકાના અવાણીયા ગામ ખાતે ૧, ઘોઘા તાલુકાના નાના ખોખરા ગામ ખાતે ૧, જેસર તાલુકાના સનાળા ગામ ખાતે ૧, મહુવા ખાતે ૩, પાલીતાણા ખાતે ૩, સિહોર તાલુકાના ઢૂંઢસર ગામ ખાતે ૧, સિહોર તાલુકાના ટાણા ગામ ખાતે ૧, તળાજા તાલુકાના પિથલપુર ગામ ખાતે ૧ તેમજ વલ્લભીપુર તાલુકાના કાનપર ગામ ખાતે ૧ કેસ મળી કુલ ૧૩ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જયારે ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૩૨ અને તાલુકાઓના ૧૦ એમ કુલ ૪૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૩,૯૪૬ કેસ પૈકી હાલ ૩૭૬ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૩,૪૯૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૪ દર્દીઓનુ અવસાન થયેલ છે.

ભાવનગરમાં ૪૫૦ રેમડેસીવીર ઇન્જેકશન્સ ઉપલબ્ધ

ભાવનગર : હાલમાં કોવિડ-૧૯ના દર્દીઓની સારવારમાં વપરાશમાં લેવાતા રેમડેસીવીર ઈન્જેકશનની ભાવનગર માં બજારમાં અછત ઉભી થયા હોવા અંગેની ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની રજૂઆત સંદર્ભે જી.એન.ઠુંમ્મર, ડ્રગ્સ ઈન્સ્પેકટરશ્રી , ભાવનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જિલ્લા વહીવટી તંત્ર તથા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર તેમજ જિલ્લા કેમિસ્ટ એસોશિયનના સંયુકત પ્રયાસોથી રેમડેસીવીર ઇન્જેકશનના ઉત્પાદકો જેમ કે, Zydus ફાર્મા, hetero ડ્રગ્સ લી. વગેરેનો આશરે ૪૫૦ ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.જેમાંથી મૃણાલ એન્ટરપ્રાઇઝ, બજરંગદાસ બાપા આરોગ્યધામ, બીમ્સ હોસ્પિટલ, એચ.સી.જી. હોસ્પિટલ, જલિયાણ ફાર્મસી, તથા પાર્થ મેડિકલ સ્ટોર સહિતના સ્થળોએ રેમડેસીવર ઇન્જેકશનનો જથ્થો ઉપલબ્ધ છે.

કોવિડ હોસ્પિટલ કે જેમણે અમદાવાદ ખાતેથી રેમડેસીવીર ઇન્જેકશનના ઓર્ડર કરેલ હશે તેઓને પણ જરૂરી જથ્થો પૂરો પાડવામાં આવશે.તેમજ વધુમાં ભાવનગરની કોવિડ હોસ્પિટલને અપીલ કરતાં શ્રી ઠુંમરે જણાવ્યું હતું કે તેઓ નિયમિતપણે પોતાના વપરાશ મુજબનો ઓર્ડર અમદાવાદ ખાતેના hetero ડ્રગ્સ લી. ના ડેપો ખાતે સમયસર આપે જેથી ઇન્જેકશન નો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં સરળતા રહે.

વધુમાં આગામી સમયમાં રેમડેસીવીર ઇન્જેકશનનો જથ્થો ભાવનગરની કોવિડ હોસ્પીટલ્સને પુરતાં પ્રમાણમાં મળી રહે તે માટેની સુચારૂ વ્યવસ્થા તંત્ર દ્વારા ઉભી કરવામાં આવી છે.આથી સદર બાબતે લોકોએ ગભરાવાની કે ડરવાની જરૂરિયાત રહેતી નથી તેમ તેમણે ઉમેર્યું હતું.

(11:26 am IST)