Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ઉપલેટાનો નામચીન રોહિત સોલંકી પકડાયોઃ પોલીસથી બચવા ર૧ દિ'ની તેના બંધ મકાનમાં છુપાઇ ગયો'તો

૪૦ ગુન્હામાં સંડોવાયેલ અને ખૂનની કોશિષ સહિતના ૩ ગુન્હામાં ૪ વર્ષથી નાસતો ફરતોઃ પીઆઇ અજયસિંહ ગોહિલના નેજા તળે રૂરલ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમે મકાન ફરતે ઘેરાવ કરી દબોચી લીધોઃ જામનગર અને સુરત પોલીસ પણ શોધતી'તી

તસ્વીરમાં પકડાયેલ નામચીન રોહિત (નીચે બેઠેલ) સાથે રૂરલ એલસીબી તથા એસઓજીનો કાફલો નજરે પડે છે.

રાજકોટ તા.રપ : ૪૦ ગુન્હામાં સંડોવાયેલ અને ખુનની કોશિષ સહિતના ૩ ગૂન્હામાં ૪ વર્ષથી નાસતા ફરતા ઉપલેટાના નામચીન રોહિત સોલંકીને રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા એસઓજીની ટીમે ઉપલેટામાંથી દબોચી લીધો હતો ત્રણ જીલ્લાની પોલીસની નજરથી બચવા નામચીન રોહિત તેના બંધ મકાનમાં છુપાઇને રહેતો હતો પણ અંતે પોલીસની ઝપટે ચડી ગયો હતો.

રાજકોટ જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાતી રૂરલના ઇન્ચાર્જ એસપી પ્રવિણકુમાર મીણાની સુચના અન્વયે રૂરલ એસઓજીના પોલીસ ઇન્સ્પેકટર અજયસિંહ ગોહીલ તથા પીએસઆઇ એચ.ડી.હિંગરોજા એસઓજી તથા એલસીબીના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે રૂરલ એસઓજીના હેડ કો. જયવીરસિંહ રાણા, ધર્મેન્દ્રભાઇ ચાવડા, હિતેશભાઇ અગ્રાવત તથા પો.કો. રણજીતભાઇ ધાંધલને ૩ ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ ઉપલેટાનો નામચીન રોહીત દેવશીભાઇ સોલંકી ઉપલેટા સ્થિત તેના મકાનમાં આવ્યો હોવાની બાતમી મળતા પીઆઇ અજયસિંહ ગોહીલના નેજા તળે રૂરલ ક્રાઇમ બ્રાંચ તથા રૂરલ એસઓજીના સ્ટાફે ઉપલેટા કૃષ્ણનગર સોસાયટી સ્થિત તેના મકાન ફરતે ઘેરાવ કરી દબોચી લઇ ઉપલેટા પોલીસના હવાલે કર્યો હતો.

પોલીસના જણાવ્યા મુજબ પકડાયેલ ઉપલેટાનો રોહીત સોલંકી અગાઉ ૪૦ ગુન્હામાં ઉપલેટા, ધોરાજી, રાજકોટ શહેર તથા જુનાગઢ જીલ્લાના પોલીસ મથકોમાં પકડાઇ ચુકયો છે. તેની સામે હત્યાની કોશીષ ધમકી આપવાના, મારામારી, છેતરપીંડી, લૂંટ, ચોરી તથા દારૂના ગુન્હાઓ નોંધાયા છે. નામચીન રોહિત સોલંકી ઉપલેટાના હત્યાની કોશિષ, જામનગર જીલ્લાના જામજોધપુર પોલીસ મથકના હથિયારના ગુન્હામાં તથા સુરતન સરથાણા પોલીસ મથકના મારામારીના ગુન્હામાં ૪ વર્ષથી વોન્ટેડ હતો અને તેને રાજકોટ, જામનગર તથા સુરત પોલીસ શોધતી હતી.

રીઢો ગુન્હેગાર રોહિત પોલીસની નજરથી બચવા તેના ઉપલેટા સ્થિત બંધ મકાનમાં ર૧ દિવસથી છૂપાયો હતો. બંધ મકાનમાં રોહિતને તેનો સાગ્રીત ટીફીન આપી જતો રહી મકાનને તાળુ મારી જતો રહેતો હતો. નામચીન રોહિત પકડાઇ જતા રૂરલ પોલીસે જામનગર અને સુરત પોલીસને પણ જાણ કરી છે.

આ કાર્યવાહીમાં રૂરલ એસઓજીના એ. એસ. આઇ. વિજયભાઇ ચાવડા, ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા, હેડ કો. અતુલભાઇ ડાભી, સંજયભાઇ નિરંજન, અમીતભાઇ કનેરીયા, વિજયગીરી ગોસ્વામી, ડ્રા. પો. કો. સાહિલભાઇ ખોખર, દિલીપસિંહ જાડેજા, એલસીબીન એ. એસ. આઇ. પ્રભાતભાઇ બાલાસરા, જયેન્દ્રસિંહ વાઘેલા, શકિતસિંહ જાડેજા, રવિદેવભાઇ બારડ, મહિપાલસિંહ જાડેજા, અનીલભાઇ ગુજરાતી, સંજયભાઇ પરમાર, પો. કો. રહિમભાઇ દલ, દિવ્યેશભઇ સુવા, નારણભાઇ પંપાળીયા, નિલેશભાઇ ડાંગર, કૌશીકભાઇ જોષી, તથા ડ્રા. નેહલભાઇ દવે રોકાયા હતાં.

(11:26 am IST)