Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

બગસરા શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા નવા કૃષિબિલનો વિરોધ દર્શાવ્યો

રાષ્ટ્રપતિને સંબોધીત આવેદનપત્ર મામલતદારને અપાયું

(સમીર વિરાણી દ્વારા) બગસરા તા.રપ : બગસરા શહેર કોંગ્રેસ - તાલુકા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધન બગસરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ કે, કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ સબંધીત ત્રણ વટ હુકમો પાડયા છે તે કરારી ખેતી કહી શકાય. ભારતમાં ખેડૂતોએ કોઇની સાથે ખેતી કરવી કે નહી તેની ખેડૂતને સ્વતંત્રતા છે જ, તેને ફરજ પાડી શકે નહી. ખેડૂત સાથે આ કરાર કરનાર પેપ્સી, એસ્કોર્ટસ, ડીસીએમ જેવી વિદેશી કંપનીઓ પણ હોઇ શકે અને ઉત્પાદન તથા વેચાણ પર વગેરે બધી બાબતો પર તેમનો અંકુશ રહેશે.

ખેતી વિદેશી કંપનીઓના હાથમાં જતી રહેતા પાકનો સારો બોલી ભાવ મળવો ખેડૂત માટે મુશ્કેલી ઉભી કરશે. જો કંપની દ્વારા ઇજારો ઉભા થાય તો સોદા શકિતની અસર પહોચે અને આ સામે લડવા માટે ખેડૂત સહકારી મંડળી કે સંગઠનનો સાથ સહકાર લેવો પડે તેવી પરિસ્થિતિ ઉભી થાય. કરારી ખેતી કરનારી એક પણ કંપની હાલ સજીવ ખેતી કરનારી હોય તેવુ જાણમાં નથી. આ કરારની બીજી અસરમાં દેશી કે વિદેશી કંપનીઓ દ્વારા સંગ્રહખોરી વધશે જે દેશની અર્થતંત્ર માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે.

ભારતના બંધારણમાં રાજય નિતીના માર્ગદર્શન સિધ્ધાંતોમાંથી કલમ ૩૯ બીમાં સમાજની ભૌતિક સાધન સામગ્રીની માલિકી અને નિયંત્રણનું વિતરણ લોકહિત ઉતમ રીતે સધાય તે રીતે થાય તથા કલમ ૩૯ સીમાં અર્થતંત્રનું સંચાલન સંપતિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ લોકહિતને નુકશાન કરે તે રીતે ન થાય. આ કલમ મુજબ કરારી ખેતી વટહુકમ સાથે કોઇ દેવા લેવા નથી તેવુ પ્રસ્થાપિત થઇ રહ્યુ હોય તેવો આભાસ થાય છે.

બગસરા શહેર કોંગ્રેસ પ્રમુખ રમેશભાઇ કરાણીયા, બગસરા તાલુકા કોંગ્રેસ પ્રમુખ બાબુભાઇ દુધાત, શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ અનીલભાઇ સાવલીયા, મહામંત્રી ચિરાગભાઇ પરમાર, અમરેલી જીલ્લા મંત્રી ભરતભાઇ ભાલાળા, અમરેલી જીલ્લા સંગઠનમંત્રી જમાલભાઇ સરવૈયા, તાલુકા પંચાયત સદસ્ય ગોપાલભાઇ સતાસીયા, તાલુકા કોંગ્રેસ મહામંત્રી સંજયભાઇ ગઢીયા, શહેર કોંગ્રેસ મહામંત્રી મનસુખભાઇ જોધાણી સહિતના કાર્યકર્તાઓ હાજર રહી આવેદનપત્ર પાઠવ્યુ હતુ.

(11:35 am IST)