Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ચુડા PGVCLની બેદરકારીથી યુવાન મોતના મુખમાં ધકેલાતા રોષ

જોખમી વીજ લાઇન હટાવવા કારોલના ગ્રામજનોએ કરેલી રજુઆત તંત્ર ધોળીને પી ગયું: કારોલ ગામમાં ધાબા પરથી પસાર થતી વીજ લાઇનને અડી જતા યુવાનને કરંટ લાગતા જ મોત થયું: અરેરાટી ગ્રામજનો પોલીસ મથકે પહોંચ્યા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા. રપ : ચુડા પીજીવીસીએલની ગંભીર બેદરકારીને કારણે ગઇકાલેે એક યુવાન મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો. તાલુકાના કારોલ ગામમાં બહેનના ઘરે આવેલા લીંબડી તાલુકાના ઘાઘરેટિયા ગામના યુવાનનું ધાબા પરથી પસાર થતા વીજવાયરનો શોક લાગતાં સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ધાબા પરથી જોખમી રીતે પસાર થતી વીજલાઇન બદલવા માટે ગ્રામજનોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં ચુડા પીજીવીસીએલના અધિકારીઓના પેટનું પાણી હલ્યું નથી અને વિભાગની બેદરકારીને કારણે ગુરૂવારે એક વ્યકિતને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. આ અંગે પીજીવીસીએલ વિરુદ્ઘ ફરિયાદ દાખલ નહીં કરાય ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની પરિવારજનોએ ચીમકી ઉચ્ચારી છે.

ઘાઘરેટિયા ગામના હીરાભાઈ વશરામભાઈ ચૌહાણ કારોલ ગામે બનેવી પ્રેમજીભાઈ ડાયાભાઈ પરમારના દ્યરે મહેમાનગતિએ આવ્યા હતા. સવારે ૧૧-૪ર કલાકે તેમના મોબાઈલ પર રાજકોટના એક મિત્રનો ફોન આવ્યો હતો. નેટવર્કમાં તકલીફ હોવાને કારણે હીરાભાઈ ધાબા ઉપર ગયા હતા. દરમિયાન વીજવાયરને અજાણતાં અડી જતાં તેમનું મોત નીપજયું હતું. દ્યટના અંગે ચુડા પીજીવીસીએલ કચેરીમાં જાણ કરાઈ હતી. યુવકના મોતના સમાચાર મળ્યા છતાં દોઢ કલાક બાદ પીજીવીસીએલના કર્મચારીઓ આવ્યા હતા.

 પરિવારે દ્યટના માટે જવાબદાર પીજીવીસીએલ કચેરી વિરુદ્ઘ ગુનો દાખલ કરવાની માંગ કરી હતી. પીજીવીસીએલ વિરુદ્ઘ ફરિયાદ ન નોંધાતાં પરિવારજનો સાથે ગ્રામજનો ચુડા પોલીસ કચેરીએ પહોંચી આવ્યા હતા. જયાં સુધી પીજીવીસીએલ વિરુદ્ઘ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. મોડી સાંજ સુધી મૃતદેહનો સ્વીકારાયો નહોતો.

(11:47 am IST)