Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

પંડિત દીનદયાળજી ઉપાધ્યાય

જૂનાગઢ,તા.૨૫ : ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પ્રદિપભાઇ ખીમાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પ્રસંગે જણાવ્યું છે કે પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી એક પ્રખર વિચારક અને ઉત્કૃષ્ટ સંગઠનકર્તા હતા.

તેઓ ભારતીય જનસંદ્યના અધ્યક્ષ હતા. તેમણે ભારતની સનાતન વિચારધારાને યુગાનુકૂળ રૂપમાં પ્રસ્તુત કરીને દેશને એકાત્મક માનવવાદ જેવી પ્રગતિશીલ વિચારધારા આપી. તેમની ગણના તે આદર્શ મહાપુરૂષોમાં કરવામાં આવે છે જેમણે વર્તમાન રાજનીતિને શુચિતા અને શુદ્ઘતાના પાયા પર સ્થાપિત કરવાની પ્રેરણા આપી.

પંડિત દીનદયાળજી એ એવા એક નેતા હતા જેમણે જીવનભર ઈમાનદારી અને સત્યનિષ્ઠાને પ્રાધાન્ય આપ્યું. તેઓ ભારતીય જનસંઘ તથા ભારતીય જનતા પાર્ટી માટે વૈચારિક માર્ગદર્શન અને નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા. પંડિતજી તદન સરળ અને સૌમ્ય સ્વભાવના વ્યકિત હતા. રાજનીતિ ઉપરાંત સાહિત્યમાં પણ તેમની અભિરૂચિ હતી.

તેમનો એકાત્મક માનવવાદ સર્વપ્રથમ ૧૯૬૪માં જનસંઘના ગ્વાલિયર અધિવેશનમાં પ્રસ્તુત કરવામાં આવ્યો અને પછીના વર્ષે ૧૯૬૫માં વિજયવાડા અધિવેશન માં તેનો સ્વીકાર કરવામાં આવ્યો.

દેશને 'એકાત્મક માનવવાદ'નો વિચાર એ પંડિત દિનદયાલજીની શ્રેષ્ઠતમ દેન છે. આ એક એવું ચિંતન છે, જેનાં મૂળિયા ભારતના ભૂતકાળમાં છે, પરંતુ દ્રષ્ટિ ભવેષ્ય પર. તેઓ આ ચિંતનથી એક એવા રાષ્ટ્રનું નિર્માણ તથા વિકાસ કરવા માગતા હતા જેનાથી જે છે તે દેશ પોતાના સ્વત્વને ધ્યાનમાં રાખીને વિશુદ્ઘ ભારતીય સંસ્કૃતિ અનુરૂપ વિકાસ સાધી શકે.

તેમનું કહેવું હતું કે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં દુનિયાને આપવા જેવું શું છે તે જાણીએ અને વિશ્વની પ્રગતિમાં આપણો સહયોગ આપીએ. ઘણા વર્ષો સુધી આપણું બધું જ ધ્યાન સ્વાધીનતા સંગ્રામ તથા સ્વરક્ષણમાં રહ્યું. આથી આપણે દુનિયાનાં બીજાં રાષ્ટ્રોની હરોળમાં ઊભા નથી રહી શકયા, પણ આજે જયારે

આપણે સ્વતંત્ર છીએ ત્યારે આપણે ઓછપને પૂરી કરવી જોઈએ. આ જ વૈચારિક પૃષ્ઠભૂમિ પર દીનદયાળજીએ 'એકાત્મ માનવવાદ'ની અવધારણા પ્રતિપાદિત કરી. આ એમના રાજનૈતિક ચિંતનની ફલશ્રુતિ છે, જેનું કેન્દ્રબિંદુ મનુષ્ય છે. મનુષ્યનો સમગ્રતયા વિકાસ ધર્મના અવલંબન પર થાય છે. માણસનું માણસ માટેનું આ ચિંતન રાજનૈતિક નહોતું. આ એમની સાંસ્કૃતિક દ્રષ્ટિ હતી, કારણ કે તેઓ ભારતીય સંસ્કૃતિમાં પ્રગાઢ આસ્થા રાખનારા વિચારક હતા. તેઓ માનતા હતા કે આર્થિક ઇચ્છાઓની તૃપ્તિ તથા સંતુષ્ટિ કયારેય પૂર્ણ થતી નથી.

એક ઇચ્છા પૂરી થાય છે, કે તરત જ બીજી ઇચ્છા જાગે છે. આ માટે તેઓ કહેતા હતા કે મનુષ્યને શરીર, મન, બુદ્ઘિ અને આત્મા સાહિતની દ્રષ્ટિએ નીરખવો જોઈએ. રાષ્ટ્રચિંતક અને વૈશ્વિક વિચારક વિભૂતિ પંડિત દીનદયાળજીનો ધ્યેયમંત્ર 'ચરેવેતિ- ચરેવેતિ' હતો.

પંડિત દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ સંવત ૧૯૭૩ના ભાદરવા વદ ૧૩ એટલે કે રપમી સપ્ટેમ્બર ૧૯૧૬નાં રોજ થયો. તેમનોજન્મ માતાના પિતા  પંડિત ચુનીલાલ શુકલ કે જેઓ ધનકિયા ગામે સ્ટેશન માસ્તર હતા તેમને ત્યાં થયો.

પંડિત દીનદયાળજીએ સાત વર્ષની વયે માતા - પિતાનું સુખ ગુમાવ્યું હતું. અને તેમનું ભરણપોષણ તથા ઉછેર એમના મામા   રાધારમણ શુકલને ત્યાં થયો. આમ, એમને બચપણથી જ મુસીબતો અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરવાની શરૂઆત થઈ ગઈ હતી. એમણે અજમેર બોર્ડની મેટ્રિકની પરીક્ષા સિકરની કલ્યાણ હાઈસ્કૂલમાંથી પસાર કરી સુવર્ણચંદ્રક મેળવ્યો અને પ્રથમ આવ્યા. કાનપુરની સનાતન ધર્મ કોલેજમાથી બી.એ.ની પરીક્ષા પણ એમણે પ્રથમ શ્રેણીમાં ઉતીર્ણ કરી. ત્યારબાદ એમ.એ.નાં પ્રથમ વર્ષમાં ઉતીર્ણ થયા પરંતુ બીજા વર્ષની પરીક્ષા આપી ન શકયા. આ જ અરસામાં કાનપુરમાં સને ૧૯૩૭ દરમ્યાન તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંપર્કમાં આવ્યા. ઉત્ત્।ર પ્રદેશમાં સંઘકાર્યનો પાયો નાખનાર ભાઉરાવ દેવરસ સાથે તેમનો પરિચય એમને માટે રાષ્ટ્ર સમર્પિત જીવન જીવવાનું વૃત સ્વીકારવાની મહામંગળ ઘડી બની ગઈ. બુધ્ધિને લક્ષ્ય સાંપડ્યુ અને એમની શકિતઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યમાં વધુને વધુ ખૂંપતી ગઈ ૧૯૪૨ માં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રચારક તરીકે લખીમપુર જીલ્લામાં નિયુકત થયા. તથા ત્યાની એક હાઇસ્કૂલમાં અધ્યાપક તરીકે માનદ સેવા પણ આપતા. ઉચ્ચ ચારિત્ર્ય તથા વ્યવહાર કુશળતાથી પ્રભાવિત થઈ શાળાના સંચાલકોએ એમને આચાર્ય તરીકે નિમવાની ઇચ્છા દર્શાવી પરંતુ દીનદયાળજીએ તેનો અસ્વીકાર કર્યો. ત્રણ વર્ષના સમયગાળામાં તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઉતરપ્રદેશનાં સહપ્રાંત પ્રચારક બની ગયા. સને ૧૯૫૨માં જનસંદ્યની સ્થાપના થઈ ત્યાં સુધી એ જ ક્ષેત્રમાં સહપ્રાન્ત પ્રચારક તરીકે જવાબદારી સંભાળતા રહ્યા.

પ્રદિપભાઇ ખીમાણીએ વધુમાં જણાવ્યું કે આ સમય દરમ્યાન પંડિત દીનદયાળજીએ સંઘ શાખાઓ વિસ્તારવાનું સંગઠન કાર્ય કર્યું અને જયારે ૧૯૪૮-૪૯ દરમ્યાન સંઘઉપર પ્રતિબંધ આવ્યો ત્યારે વચગાળાના સમયમાં એમણે સમાચારપત્ર તથા પુસ્તક પ્રકાશન અંગેનું સાહિત્યિક કાર્ય પણ સફળતાપૂર્વક કર્યું. આ સમયે જ તેમને બાળકો માટે સમ્રાટ ચંદ્રગુપ્ત અને તરૂણો માટે જગદગરૂ શંકરાચાર્ય પુસ્તકો લખ્યા. તદુપરાંત 'રાષ્ટ્રધર્મ'(માસિક) અને 'પાંચજન્ય'(સાપ્તાહિક)નું સંપાદન કર્યું. એમણે લખનઉમાં રાષ્ટ્રધર્મ પ્રકાશન લિમિટેડ નામની સંસ્થા પણ આ અરસામાં સ્થાપી.

(12:58 pm IST)