Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

જુનાગઢ : ગટરના પાણીનો નિકાલ : બંધ પડેલ સરકારી બાંધકામ ફરીથી કાર્યરત થશે

સંસ્કૃત પાઠશાળા બિલ્ડીંગનું નિર્માણ ચાલુ

જૂનાગઢ,તા.૨૫ : જૂનાગઢના પૂર્વ નગરસેવક અનિલભાઈ ઉદાણી અને સાગર નિર્મળ દ્વારા મ.ન.પા. કમિશનરની કચેરી સામે જ ગટરના દુષિતપાણીનો યોગ્ય નિકાલ કરવા રજુઆત કરવામાં આવી હતી. રજુઆતની ગંભીરતા લેતા મ.ન.પા. તંત્ર સફાળું જાગી ઉઠ્યું હતું. મ.ન.પા. જૂનાગઢ દ્વારા પાયામાં ભરેલા ખરાબ પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ શહેરમાં આવેલ વોર્ડનંબર-૧૦માં એક સરકારી સંસ્કૃત પાઠશાળા માટે બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.. જે તે સમયે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા સરકાર પાસેથી અંદાજે ૧ કરોડ અને ૬ લાખ જેવી રકમ સંસ્કૃત પાઠશાળા માટે મંજુર કરાવવામાં આવી હતી. હાલ માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાલાળા યુનિવર્સલ બિલ્ડર નામની પેઢીને આ સંસ્કૃત પાઠશાળા માટે મકાન બાંધકામની કામગીરી માટે ટેન્ડર દ્વારા કામ પણ  શોપવામાં આવી ગયું હતું.

આ રજુઆતમાં જણાવ્યા મુજબ સાગરભાઈ નિર્મળ દ્વારા ત્યાંના વોર્ડ નંબર ૧૦ નાં કોર્પોરેટર  હિતેષભાઈ ઉદાણી અને પૂર્વધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂને સ્થળ પર બોલાવી વિચાર વિમર્શ કરતા અને સ્થળ નિરીક્ષણ કરતા પાયા માટે ખોદવામાં આવેલ ખાડામાં દુર્ગંધ આવે તેવું ગટરનું દૂષિત પાણી અને વરસાદનું પાણી ભરાઈ ગયેલ જોવા મળ્યું હતું.

આ બંધ પડેલા બાંધકામ બાબતે માર્ગ અને મકાન વિભાગના એન્જીયર વિવેકભાઈ ગૌસ્વામીને પાસે ટેલિફોનિક માહિતી લેતા તેઓ દ્વારા એવું જણાવ્યું હતું કે આ માટે મ.ન.પા. જૂનાગઢને ઘણા દિવસ પહેલા જ જાણ કરવામાં આવી છે અને ગટરનું પાણી આવતું બંધ થાય તો આ ખોરંભે ચડેલી કામગીરી અમો દ્વારા સત્વરે શરૂ થઈ શકે...

નગરસેવક હિતેષભાઈ ઉદાણી અને  પૂર્વધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ દ્વારા પણ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જયારે સુવિધાઓ અને સવલતો આપવામાં આવતી હોય અને આ સામાન્ય બાબતે મકાન બાંધકામ ખોરંભે ચડે તે વ્યાજબી નથી.  આ બાબતે જરૂરી કાર્યવાહી થવા માટે યોગ્ય કરીશું.

(12:59 pm IST)