Gujarati News

Gujarati News

News of Sunday, 25th September 2022

ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી એસઓજીની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યાઃ ડ્રગ્સના જથ્થા સાથે 4 પેડલરની ધરપકડ

ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠે SOG, LCB, સ્થાનિક પોલીસના સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

ગીર સોમનાથઃ  ગીર સોમનાથ જિલ્લાના દરિયાકાંઠેથી ફરી ચરસનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો છે. SOGની ટીમે ચરસનો જથ્થો જપ્ત કરી અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. હાલ દરીયાકાંઠે SOG સહિત પોલીસની ટીમ સઘન તપાસ કરી રહી છે. તો રાજકોટમાંથી પણ ડ્રગ્સના જથ્થા સાથે 4 પેડલરની ધરપકડ કરવામાં આવી છે.

ગીર સોમનાથના દરિયા કિનારા પરથી બિનવારસી હાલતમાં નશીલા પદાર્થોના મળી આવવાનો સિલસિલો યથાવત છે. ગયા મહિને 273 જેટલા પેકેટ ભરેલો કોથળો મળી આવ્યા બાદ આજે ફરી ચરસનો જથ્થો મળી આવ્યો છે. ગીર સોમનાથના હિરાકોટ બંદર નજીકના સમુદ્ર કિનારેથી એસઓજીની ટીમે ચરસના 16 જેટલા પેકેટ જપ્ત કર્યા છે. SOGની ટીમે NDPS એક્ટ હેઠળ અજાણ્યા શખ્સો સામે સોમનાથ મરીન પોલીસમાં ગુનો નોંધાવ્યો છે. હાલ આ મામલે SOG સહિતની પોલીસ ટીમો દરિયાકાંઠે સઘન તપાસ કરી રહી છે.

આ ઉપરાંત આજે રાજકોટના ભગવતીપરા વિસ્તારમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. SOGએ ડ્રગ્સ જપ્ત કરવાની સાથે 4 પેડલરની ધરપકડ કરી છે. એસઓજીની ટીમે યોગ્ય બાતમીના આધારે 23.08 ગ્રામથી વધુ ડ્રગ્સ જપ્ત કરી 4 શખ્સોની ધરપકડ કરી છે. એસઓજીની ઝપટમાં ચઢેલા ચારેય શખ્યોમાંથી ત્રણ શખ્સો મધ્યપ્રદેશના વતની હોવાનું અને એક રાજકોટનો રહેવાસી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. આ ડ્રગ્સ ક્યાંથી આવ્યું? કોને આપવાનું હતું? એ મામલે પોલીસે ચારેયની પૂછપરછ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા મહિને ગીર સોમનાથના દરિયા કિનારા પરથી 273થી વધારે ચરસના પેકેટ પોલીસના સર્ચ ઓપરેશનમાં હાથ લાગ્યા હતા. જે બાદ ગુજરાત તેમજ દેશની સુરક્ષા એજન્સીઓ સતર્ક મોડમાં આવી ગઈ હતી અને માછીમાર આગેવાનો સાથે સંકલન કરી તપાસ તેજ કરી હતી. આ મામલે જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાએ પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ગીર સોમનાથ જિલ્લા પોલીસે દરિયા કાંઠેથી સર્ચ ઓપરેશન દરમિયાન 2 દિવસમાં 273 કિલો ચરસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગીર સોમનાથ દરિયા કિનારેથી 160 જેટલા પેકેટ્સ મળી આવ્યા હતા. જે બાદ સર્ચ ઓપરેશન હાથ ધરાયુ હતું.  આ દરમિયાન વધુ 40 પેકેટ્સ મળી આવ્યા છે. ગુજરાત ATSના માર્ગદર્શન હેઠળ દરિયાકાંઠે SOG, LCB, સ્થાનિક પોલીસના સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

(2:01 pm IST)