Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

સવારથી ઠંડકમાં વધારો

શનિવારે સાંજે હવામાન ફર્યા પછી ગઈકાલના માવઠા બાદ : કમોસમી વરસાદથી પાકને નુકશાન થતા ખેડૂતોની માઠી

પ્રથમ તસ્વીરમાં ધ્રાંગધ્રા, બીજી તસ્વીરમા જામકંડોરણા, ત્રીજી તસ્વીરમાં વડિયા, ચોથી તસ્વીરમાં વિરપુર (જલારામ), પાંચમી તસ્વીરમાં ગોંડલમાં વાદળા તથા છઠ્ઠી તસ્વીરમાં સાવરકુંડલામાં વરસેલ વરસાદ નજરે પડે છે (તસ્વીરઃ ફઝલ ચૌહાણ (વઢવાણ), મનસુખ બાલધા (જામકંડોરણા), ભીખુભાઈ વોરા (વડીયા), કિશન મોરબીયા (વિરપુર જલારામ), ભાવેશ ભોજાણી (ગોંડલ), દિપક પાંધી-સાવરકુંડલા)(૨-૮)

રાજકોટ, તા. ૨૫ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનિવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને કાલે સતત બીજા દિવસે આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ છવાયુ હતુ અને સાંજના સમયે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાંયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડતા પાકને ભારે નુકશાન થયુ છે.

આમરણ

(મહેશ પંડયા દ્વારા) આમરણઃ આમરણ ચોવીસી પંથકમાં સવારે ૧૦ કલાકમાં અડધો ઈંચ વરસાદ વરસી પડયો હતો. આમરણ સહિત બેલા, ઉટબેર, ફડસર, ઝિંઝુડા વગેરે દરીયા કાંઠાળ ગામોમાં વરસાદ પડયો હતો. વરસાદને ગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. હવે પડી રહેલ વરસાદ ઉભા પાક માટે નુકસાનીરૂપ સાબિત થઈ રહ્યો હોવાનું ખેડૂતો દ્વારા જાણવા મળે છે.

સાવરકુંડલા

(દિપક પાંધી દ્વારા) સાવરકુંડલાઃ શિયાળાના આગમનની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં રવિવારે સાંજે એકાએક કમોસમી વરસાદ વરસી ગયો હતો.

સાવરકુંડલા પંથકમાં એકાદ માસથી ચોમાસાના વરસાદે વિરામ લીધો છે અને એક સપ્તાહથી વહેલી સવારની ગુલાબી ઠંડીની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે રવિવારની સાંજે પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસી ગયો હતો. તાબાના શેલણા, મોટા ભમોદ્રા, કાત્રોડી, હીપાવડલી, જડકલાથી જેસર સુધી સારો વરસાદ વરસી ગયાનું શેલણાના સરપંચ કાળુભાઈ લુણસરે જણાવ્યુ હતું, તો ખાંભા તાલુકાના ભાડ અને ધારી તાલુકાના કમિ-કેરાળા ગામ સાવરકુંડલા તાલુકાના નજીક આવેલા હોય ત્યાંથી પણ કમોસમી વરસાદ વાવડ મળી રહ્યા છે. એકાએક આવી પડેલા વરસાદથી ખેડૂતોમાં ચિંતા સાથે દોડધામ મચી જવા પામી હતી.

ધોરાજી

(ધર્મેન્દ્ર બાબરીયા દ્વારા) ધોરાજીઃ બપોર બાદ જોરદાર ગરમી બાદ આકાશમાં કાળાડીબાંગ વાદળો હતા અને ભારે બફારા બાદ જોરદાર વરસાદ વરસતા ધોરાજી જામકંડોરણા પંથકમાં ખેતીના પાકોને વ્યાપક નુકસાન થયેલ અને તૈયાર મગફળી, તલ, કપાસ, સોયાબીન અને કઠોળનો પાક પલળીને મોટું નુકસાન થયેલ અને શહેરમાં પણ પાણી ભરાયા હતા.

હળવદ

(દિપક જાની દ્વારા) હળવદઃ  તાલુકા માં ગઈકાલે વરસાદી માવઠું કહેર બનીને વરસતા અનેક ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો છે. હળવદના ધનાળા અને કેદારીયા સહિતના ગામમાં વરસાદી માવઠામાં મગફળી ઉભી બજારે તણાઈ જતા જગતના તાતને બળતા હૈયે પોતાની મહેનત ઉપર પાણી ફરતા જોવું પડ્યું હતું.

એકાએક જ ગઈકાલે વાતાવરણમાં આવેલા અચાનક બદલાવ બાદઙ્ગ હળવદ પંથકમાં માવઠું કહેર બનીને વરસ્યું હતું. ખાસ કરીને હાલમાં ખેડૂતોની મગફળી તૈયાર થઈ ગઈ હોય અનેક ખેડૂતોના તૈયાર પાથરા તો કેટલાક ખેડૂતોની તૈયાર મગફળીનો માવઠાએ સોથ બોલાવી દીધો હતો.

ખાસ કરીને સિંચાઇની સુવિધા ધરાવતા હળવદ પંથકમાં ધનાળા અને કેદારીયા ગામમા તો માવઠું મુશળધાર વરસતા ચોતરફ પાણી – પાણીની સ્થિતિમાં ખેડૂતો તૈયાર મગફળી દ્યરે લાવ્યા હોય દ્યરની બહાર પડેલી મગફળી પાણીના પ્રવાહમાં ઉભી બજારે તણાઈ ગઈ હતી અને ખેડૂત પરિવારો પોતાની તૈયાર જણસને વરસાદમાં તણાતી બચાવવા પ્રયાસો કર્યા હતા પરંતુ કુદરતના કોપ સામે કાળા માથાના માનવીના પ્રયાસો ટૂંકા પડ્યા હતા.

વિરપુર (જલારામ)

(કિશન મોરબીયા દ્વારા) વીરપુર : સૌરાષ્ટ્રભરમાં પાછોતરા વરસાદને કારણે ખેડૂતોએ વાવેલા અનેક પાકો જેવાકે કપાસ, મગફળી, સોયાબીન,ડુંગળી સહિતના પાકોને ભારે નુકસાન થયું છે જેમને લઈને કેટલાક ખેડૂતોને પાક સડીને સાવ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોને યાત્રાધામ વીરપુરના ખેડૂતોને તો સરકાર દ્વારા જાહેર કરાયેલા સહાય પેકેજમાં પણ લેવામાં આવ્યા નથીઙ્ગ જેને પગલે જગતના તાત ગણાતા ખેડૂતોની કેડ ભાંગી ગઈ છે ત્યારે કુદરત પણ જાણે ખેડૂતો ઉપર રૂઠયો હોય તેમ યાત્રાધામ વીરપુરમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધોધમાર વરસાદ વરસી પડ્યો જેમને લઈને ખેડૂતોના ખેતરોમાં કપાસ,મગફળી,સોયાબીન સહીતના તૈયાર પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સર્જાઈ હતી,કમોસમી વરસાદી ઝાપટાને લઈને 'ખેડૂતોને પડ્યા પર પાટું' ની સ્થિતિ નિર્માણ થઈ હતી ,ધોધમાર વરસાદિ ઝાપટાને લઈને વીરપુરના રોડ રસ્તાઓમાં ચોમાસાની માફક પાણી વહ્યા હતા.

વડિયા

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા : નવરાત્રી બાદ જાણે સમગ્ર દેશમાં ચોમાસા એ વિધિવત વિદાઈ લીધી છે અને શિયાળા ની ઠંડી ઋતુ નો અહેસાસ થવા લાગ્યો છે. ત્યારે ખેડૂતો નો પાક માં પણ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ ના કારણે નહિવત ઉત્પાદન થાય તેવી સ્થિતિ છે. ત્યારે વડિયા વિસ્તાર માં બપોર બાદ વરસાદી માહોલ સર્જાતા વડિયા ના રસ્તાઓ ફરી પાણી પાણી જોવા મળ્યા હતા. ચોમાસા જેમ જ વરસાદી માહોલ જમ્યો હતો તો બીજી બાજુ ખેડૂતોનો મગફળી અને સોયાબીનનો તૈયાર પાક લેવાની સીઝન પણ હાલ પૂર બહારમાં ચાલી રહી છે. કોઈના મગફળી ના પથરા ખેતર માં છે, તો કોઈની તૈયાર મગફળી અને સોયબિન તો ડુંગળીનો પાક પણ તૈયાર ખેતર માં છે ત્યારે તૈયાર કૃષિ ઉત્પાદન પર વરસાદી વિઘ્ન આવતા ખેડૂતો માટે પડ્યા પર પાટુ સમાન સ્થિતિ નુ નિર્માણ વડિયા વિસ્તાર માં જોવા મળી રહ્યું છે.વાસ્તવ માં આ કમોસમી વરસાદ બાબતે સરકારે આ વિસ્તાર ના ખેડૂતો ને થયેલ નુકશાન બાબતે યોગ્ય મદદરૂપ થવુ જરૂરી બને છે.

સુરેન્દ્રનગર

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ : ધ્રાંગધ્રા પથકમાં છૂટાછવાયા છાંટા પડવાની શરૂઆત થતા ખેડૂતોના ખરામા આવેલા પાકને નુકસાન થવાનો ભય સતાવતા ખેડૂતોના જીવ પડીકે બંધાઈ ગયા હતા. ચોટીલૉં ચોટીલામાં રવિવારે સંધ્યા સમયે જોરદાર વરસાદનું ઝાપટું વરસી જતાં વાતાવરણમાં એકદમ ઠંડક પ્રસરી ગઇ હતી. જયારે અત્યારે ખેતરોમાં કપાસ વીણાટ સહિતની કામગીરી ચાલુ છે ત્યારે ખેતરોમાં પણ મોલને આ વરસાદ નુકસાનકારક સાબિત થશે.

ગોંડલ

ગોંડલ : કાલે ગોંડલમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાદળછાયું વાતાવરણ છવાયું હતું.

જામકંડોરણા

(મનસુખ બાલઘા દ્વારા) જામકંડોરણા : જામકંડોરણામાં ગઇ કાલે રવિવારે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા સાંજના ૪:૩૦ કલાકે ધોધમાર વરસાદ શરૂ ગયો હતો. જે ૫ વાગ્યા સુધીમાં અડધા કલાકમાં ૧૦ મી.મી.  વરસાદ નોંધાયો હતો આ વરસાદથી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા હતા. અને હાલ મગફળીની મોસમ ચાલી રહી હોય આ એકાએક વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

(12:19 pm IST)